ગઝલ- શું કરું?
ગઝલ- શું કરું?


સહરા માફક તપતા રણને સાચવીને શું કરું ?
છળ છે જે, એ મૃગજળને સાચવીને શું કરું ?
જ્યાં નથી સંભાવના વસવાટની કંઈ પણ હવે,
એવા ઉજ્જડ શા નગરને સાચવીને શું કરું ?
ભીડમાં પણ જ્યાં સદા ખાલીપો ભીંસાતો રહ્યો,
સૂની એ ભરચક ડગરને સાચવીને શું કરું ?
ટોળાની પાછળ જ જે ચાલ્યા કરે, ઘેટાં બની,
મૂર્ખ એવા બે ચરણને સાચવીને શું કરું?
સમજે નઈ જે માણસાઈ, પૂજા પથ્થરની કરે,
અંધ એવા આ ધરમને સાચવીને શું કરું ?
માછલી છું એક ખારા પાણીમાં વસતી હું, તો
મીઠા પાણીની તરસ સાચવીને શું કરું?
એક’દી બાવળનાં કાંટે ફૂટશે રાતી કળી,
રોજ રાતે એ ભરમને સાચવીને શું કરું ?