કોની આગળ દુ:ખ ગાવું
કોની આગળ દુ:ખ ગાવું
ભર્યા ભાણાને, અલી હાથે કરીને,
મેં પગથી, ઠુકરાવી દીધું.
મસ મોટુ દુઃખ, માથે આવી પડ્યું,
ત્યારે કોઈએ પડખું ના દીધું.
બોલ સખી કોની આગળ દુઃખ ગાવું.
ફાટ ફાટ જોબનનો, હતો ચટકાળો,
ત્યારે પરણ્યાંને, ના શકી સમજી.
નાનીશી વાતમાં, છૂટાછેડા લઇ અલી,
પસ્તાઈ રહી છું, આજ મનથી.
બોલ સખી, કોની આગળ દુઃખ ગાવું.
બીજા પરણ્યાંને તને, વાત શું કરું અલી,
મને પે'લો પરણ્યો આજ સાંભરે,
બીજા મુઆએ, મને ચૂસી ચૂસીને,
રઝળતી મૂકી અધ-વચાળે.
બોલ સખી કોની આગળ દુઃખ ગાવું.
દારૂ જુગારની એવી લતે ચડેલો અલી,
મારઝૂડ કરી પજવતો,
દહેજને વાસનામાં અંધ બનેલો મૂઓ,
મારા દેહનું યે, ભાન ના રાખતો.
બોલ સખી કોની, આગળ દુઃખ ગાવું.
પે'લો પરણ્યો મારો હતો પરમેશ્વર,
પ્રેમથી બોલાવતો ને પંપાળતો.
સુખઃ દુઃખમા મારી સાથે રહીને,
મને ડગલે ને પગલે સંભાળતો.
બોલ સખી કોની આગળ દુઃખ ગાવું.
રહી શકું ના, સહી શકું ના અલી,
કહી શકું ના હું કોઈનેય,
અંધારા ઓરડામાં, ઝૂરી ઝૂરી ને આજ,
હું દા'ડા કાઢું છું, રોઈ રોઈને.
બોલ સખી કોની આગળ દુઃખ ગાવું.
હું અભાગણી, વિનવું છું આજ અલી,
મારા અંતરની વેદના સાંભળશો.
સમજી વિચારી, થોડું વેઠી લેજો પણ,
"જીવતર પર થીગડું ના મારશો "
બોલ સખી કોની આગળ દુઃખ ગાવું.
