કંઈક ખાસ
કંઈક ખાસ
કંઈક તો ખાસ છે તારામાં, દિલ ખેંચાઈ જાય છે,
લખવું નથી હોતું કશું પણ બસ લખાઈ જાય છે,
કુદરતની અનુપમ જીવતી જાગતી ગઝલ છે તું,
શું લખું તારા વિશે, મન અવઢવમાં મૂકાઈ જાય છે,
તું મળે તો શું કરીશ એ રોજ વિચારીને રાખું પણ,
તું સામે આવે છે ને હોઠ મારાં સિવાઈ જાય છે,
ખામોશીનો અવાજ શબ્દોથી ઘણો મોટો હોય છે,
જે નથી કહી શકતી એ બધું જ સંભળાઈ જાય છે,
રાહમાં લોકો ઊભો રાખી પૂછે છે મને તારા વિશે,
નામ તારું લે કોઈ પછી તારી વાત ચર્ચાઈ જાય છે,
પીઠ પાછળ હસે છે લોકો મારી દીવાનગી જોઈ,
મને શું ફર્ક પડે, એ બહાને તારું નામ લેવાઈ જાય છે,
કદી જાત સાથે વાતો કરું તો ક્યારેક મૌન ઘેરી વળે,
યાદ તારી આવે તો ચહેરો મનમાં મલકાઈ જાય છે,
હર એક વાતને તારી જણસની જેમ સાચવી છે,
નાની નાની વાતોથી યાદોનું ઘર ચણાઈ જાય છે,
તું આવી તો જીવવાનું ખુબસુરત બહાનું મળ્યું,
બસ તારા અહેસાસોમાં આ જીવન જીવાઈ જાય છે,
શ્વાસ તો કેવલ આ શરીરને ટકાવી રાખવા લઉં છું,
તારા લીધે ભીતર ચાહતથી છલકાઈ જાય છે,
બીજી કોઈ ઝંખના બાકી નથી રહી જીવનમાં હવે,
હાથ ઊઠે તો તારા માટે દુઆઓ મંગાઈ જાય છે.

