કકળાટની કવ્વાલી
કકળાટની કવ્વાલી
દિવાળીની આગલી રાત્રીએ હોય કાળી ચૌદસનો તહેવાર છે
આ વખતે રાખી છે નવતર હરીફાઈ, કયો કકળાટ સહુથી જોરદાર છે,
સાસુ વહુનો કકળાટ તો ચાલ્યો આવે છે યુગોથી
સાસુ વહુનો કકળાટ તો કકળાટની દુનિયામાં સદાબહાર છે,
નવાઈ લાગે જો પતિ-પત્ની વચ્ચે ના હોય કકળાટ
પત્નીને રીસાવાનો અને પતિએ મનાવવાનો વ્યવહાર છે,
કોઈ કઈ રીતે બદલી શકે પોતાના પાડોશીને બતાવો જરા
પડોશીઓના કકળાટ, ભારત – પાકિસ્તાન જેવા અપરંપાર છે,
નણંદ ભાભીનો કકળાટ આમ તો બહારથી દેખાય નહીં
નણંદ ભાભીના કકળાટમાં તો કાવાદાવાની ભરમાર છે,
રાજકારણીઓના કકળાટની લીલા તો હોય છે કપટી
બહારથી ઝગડતા હોય અને અંદરથી એક બીજાના યાર છે,
આજના યુગનો સહુથી રસભર્યા કકળાટ છે ટીવી ડિબેટ
અહીંયા હોય પોતે ખોટાં, તો પણ કરાવે પોતાનો જયજયકાર છે,
સોશિયલ મીડિયા કકળાટની તો વાત જ શું કરવી ?
સોશિયલ મીડિયાની ભરમાર સામે સહુ કોઈ લાચાર છે,
કાળી ચૌદસના, ચાર રસ્તે ઉતાર કાઢીને કાઢતા હોય છે કકળાટ
આ કકળાટ કાઢવા માટે પણ જ્યારે થાય કકળાટ, એ સહુથી જોરદાર છે.
