ખુલ્લું આકાશ
ખુલ્લું આકાશ




મન ભરીને જોવું મારે આ ખુલ્લું આકાશ,
આંખો માંડી કરવો મારે એક નવો પ્રવાસ.
રોજ સવારે સૂરજ સાથે ઉગમણે એ નહાતું,
પીળા રંગે પીઠી ચોળી મખમલીયું થઈ જાતું,
પવન સાથે વહેતું કરતું એક નવો ઉલ્લાસ,
મન ભરીને જોવું મારે આ ખુલ્લું આકાશ.
પહોર થતાં તો આસમાની વાઘા પહેરી લેશે,
સૂરજ સાથે ક્યારેક ક્યારેક વાદળ પાથરી બેસે,
વાતો કરતું લાગે એના ભેરુ સાથે ખાસ,
મન ભરીને જોવું મારે આ ખુલ્લું આકાશ.
છેક બપોરે આકરું થઈ સૂરજના વાદે ચડતું,
લાગે જાણે દુનિયા ઉપર ગુસ્સે થઈ બબડતું,
નાક ફુલાવી ભરડો લેતું, ભારે કરતું શ્વાસ,
મન ભરીને જોવું મારે આ ખુલ્લું આકાશ.
સાંજ ઢળે ને ત્યાં તો પાછું ડાહ્યુ ડમરું થાતું,
કેસરિયાળો રંગ ધરીને ગીત નવા કંઇ ગાતું,
એની સામે જોવું ત્યારે હોય નવો વિશ્વાસ,
મન ભરીને જોવું મારે આ ખુલ્લું આકાશ.