ખેલ
ખેલ
રોજ રાત્રે જાદુઈ ખેલ રચાઈ છે.
પાપણના પડદા પડે અને,
મનનો માણીગર જાદુગર બનીને પ્રગટે છે.
ક્યારેક એ ખિસ્સામાંથી રૂમાલ કાઢે,
તો ક્યારેક રૂમાલમાંથી ગુલાબ કાઢે !
એ સુગંધિત ફૂલને શ્વસતા શ્વસતા,
હું અચેતન થતી જાઉં છું.
પછી એ જાદુગર મને સપનાંનાં બોક્સમાં પૂરી,
રાત્રીનુ કાળું કાપડું ઓઢાડી દે છે.
જાણે લોકોને ખેલ બતાવતો હોય એમ,
એ બોક્સ ઉપર મોટી મોટી તલવારો ને
આરપાર ખોસી દે છે.
દર્શકો અવાચક બનીને જોયા કરે છે.
મને આમ તો કશી ખબર નથી પડતી,
પણ હા, એ વેદનાથી હું હજીયે ધ્રુજુ છું.
ધીરે-ધીરે સૂર્યની કેસરી કિરણો જેવી,
સોનેરી આશા એ બોક્સને વીંટળાઈ વળે છે.
પાંપણનો પડદો માંડ ખૂલે.
ત્યાં જ વળી, પાછો બીજો ખેલ !
અને હું નિ:સહાય બની ધ્રુજી ઉઠું છું.
આમજ દિવસ-રાત ચાલ્યા કરે છે.
હું જાણે, ફક્ત એ ખેલનો હિસ્સો માત્ર !
ઇચ્છા-અનિચ્છા,હસી-ખુશી, દર્દ-રોમાંચ,
એ ગણિત ક્યા ગણાય જ છે ?
એ તો ફક્ત અનુભવાય છે.
પાત્રને વળી પસંદગી શું ?
હું તો માત્ર ને માત્ર, ઘટમાળાનું સરવૈયું .
જાદુગરના ખેલનો માત્ર, એક હિસ્સો !
