કાનો જે ચાહે લઈ જાય
કાનો જે ચાહે લઈ જાય
ગોપી કહે રાધાને જઈને,
આજ ફેંસલો થઈ જાય,
કાનો કોનો થાય !
હસીને બોલ્યા રાધારાણી,
નટખટ પ્રેમે સૌનો થાય,
કાનો જે ચાહે લઈ જાય.
કાન્હા તને પામવા સ્પર્ધા કરું શું !
જે ચાહે લઈ જાય,
કાનો જે ચાહે લઈ જાય.
તને જીતી ને હારી ગઈ હું,
એના કોઈ ને સમજાય,
કાનો જે ચાહે લઈ જાય.
તારી થવા જીદ શું કરું હું,
રગરગમાં તું હોય,
કાનો જે ચાહે લઈ જાય.
દેહધારીની માયા છે આ,
આતમથી એ થાય,
કાનો જે ચાહે લઈ જાય.
તને પામી ને ખોવું નથી,
ભલે દૂર તું હોય,
કાનો જે ચાહે લઈ જાય.
આશ એક તું આખા જગતની,
ક્ષણ ક્ષણ "પ્રતીતિ" થાય,
કાનો જે ચાહે લઈ જાય.

