કાં રાખ્યો બાકાત...
કાં રાખ્યો બાકાત...
કાં રાખ્યો બાકાત?
પંખીને ઉડવા પાંખો આપી,
સસલાને સુંદર આંખો આપી,
રોશની સૂરજ-ચાંદાને આપી,
આભલે તારલા ટમટમતા રાખી,
અજવાળી દીધી અંધારી રાત,
પ્રભુ મુજને કાં રાખ્યો બાકાત?
ચંપા, જાસુદ, મોગરા મહેકાવ્યા,
થૈ, થૈ કરતા મોરલા ગહેકાવ્યા,
સાગર, સરિતાને લહેરાવ્યા,
તરુવરને લીલા ચીર પહેરાવ્યા,
પંખીઓએ કીધી આ વાત,
પ્રભુ મુજને કાં રાખ્યો બાકાત?
કલબલ કલબલ કરતી કાબર,
દડબડ દડબડ દોડે છે સાબર,
નમણી નાર કાંખે મલકે ગાગર,
ગમતા સૌને વડલો ને પાદર,
આપી સૌને મોંઘી મિરાત,
પ્રભુ મુજને કાં રાખ્યો બાકાત?