જો તમે સમજી શકો
જો તમે સમજી શકો


લાગણી આપી શકું હું, જો તમે સમજી શકો.
પથ્થરો કાપી શકું હું, જો તમે સમજી શકો.
આ હૃદયની વેદનાને પણ ઝબોળી પ્રેમમાં,
કાગળે છાપી શકું હું, જો તમે સમજી શકો.
હું તમારાં પગરણોને કાળજીથી સાચવું,
આંગણે થાપી શકું હું, જો તમે સમજી શકો.
ભરબપોરે જો નજર સામે મળે તો થાય શું?
ધડકનો માપી શકું હું, જો તમે સમજી શકો.
જ્યારથી સામે મળ્યાં છો જિંદગીમાં ત્યારથી,
શ્વાસને તાપી શકું હું, જો તમે સમજી શકો.