જિંદગી
જિંદગી
જીવવાને જીવંતતાથી તેં આપી'તી જિંદગી,
પ્રશ્ર્નો ઉકેલવામાં જ સદા ઉલઝાયેલો રહ્યો.
કેડી અનોખી કંડારવા તેં આપી'તી જિંદગી,
લપસણી રાહોમાં જ સદા અટવાયેલો રહ્યો.
સ્વની ઓળખ પામવા તેં આપી'તી જિંદગી,
મોહમાયાની જાળમાં જ સદા લપટાયેલો રહ્યો.
હકીકત સ્વીકારી જીવવા તેં આપી'તી જિંદગી,
વ્યર્થ શમણાંઓમાં જ સદા ભરમાયેલો રહ્યો.
મૃત્યુનો મર્મ જાણવા તેં આપી'તી જિંદગી,
મોતની કલ્પનાથી જ સદા ગભરાયેલો રહ્યો.
ખુદને ખુદા બનાવવા તેં આપી'તી જિંદગી,
ખુદને ઓળખવામાં જ સદા ગૂંચવાયેલો રહ્યો.
