જિંદગી- અનમોલ ભેટ
જિંદગી- અનમોલ ભેટ
એ જિંદગી હું તને પ્રેમ કરું છું, ખૂબ જ પ્રેમ કરું છું, કારણ તું મને બહુ જ વ્હાલી છે....
ઈશ્વરે આપેલી અનમોલ ભેટ છે તું, કેટલી સુંદર છે તું... મારે તને જાણવી છે અને મન ભરીને માણવી પણ છે, કારણ તું મને બહુ જ વ્હાલી છે....
પ્રકૃતિની સુંદરતા ને મન ભરીને નિહાળવી છે અને પહાડોમાં વહેતા ઝરણાની જેમ ખળખળ વહેતા રહેવું છે.... કારણ તું મને બહુ જ વ્હાલી છે....
હા, હું થાકી જાઉં છું ક્યારેક જવાબદારીઓના બોજથી પણ હું હારી નથી આશા ને અરમાનોથી થનગનતી છું... કારણ તું મને બહુ જ વ્હાલી છે...
સપનાઓનો શણગાર ઓઢી મારે આકાશમાં પંખી બની ઊડવું છે, દુનિયા આખીમાં ટહેલવું છે અને સાગરના મોજા જેમ લહેરાવું છે મારે તને મન ભરીને માણવી છે... કારણ તું મને બહુ જ વ્હાલી છે....
છૂટતા સંબંધો ને તૂટતા મન સામે ઝઝૂમતી હોવા છતાં પ્રેમથી મારે તને નિહાળવી છે અને મન ભરીને માણવી છે.... હા, હજી પણ મન ભરીને ચાહવી છે તને... કારણ તું મને બહુ જ વ્હાલી છે....
ફૂલોથી મહેંકતા બાગની જેમ સુંદર સુવાસિત કરી અને મારા સપનાઓને ફરી સજાવીશ હું, શણગારીશ હું, ઈશ્વરે આપેલી ભેટને મન ભરીને માણીશ હું... કારણ તું મને બહુ જ વ્હાલી છે....
એ જિંદગી, હું તને ખૂબ જ પ્રેમ કરું છું.... હા, હજી પણ પ્રેમ કરું છું કારણ તું મને બહુ જ વ્હાલી છે.
