હવે જીવી લેવી છે !
હવે જીવી લેવી છે !
અદેખાઈનો આ સિતમ પણ,
જરા માણવા જેવો છે,
અવરોધશે એ ખુદ, પછી પૂછશે...
હવે ઉત્સાહ કેવો છે ?
એવી ભલાઈ કેરો ભાવ પણ,
જાણવા જેવો છે,
હશે કારણ વ્યથાનું ખુદ, ને પૂછશે..
હાલચાલ કેવા છે ?
જાહેર છે એ શુભચિંતકો જેનો,
લાભ અહીં લેવા જેવો છે,
કર્યા કરશે ચિંતા ઘણી, પણ કોની ?
ભેદ એ જાણવા જેવો છે !
જલતી જ રાખશે એ આગને જેમાં,
ખુદને બચાવી તમને તપાવે,
પણ રાખશે ખ્યાલ કે ન બનો 'હેમ '
અહીં એ તાગ પામવા જેવો છે.
બિછાવશે કંટકો આડશે ફૂલો તણી,
વળી ચિંધશે માર્ગ હેતથી,
ચાલશો એ ડગર પર જ્યાં, પૂછશે...
પુષ્પો તણી પંપાળ કેવી છે ?
મોઢા ઉપર તો કોઈ ક્યાં બતાવે છે ?
મનમાં રહેલી લાગણીને,
જેવો ઓઝલ થાઉં મહેફિલેથી કે,
કહેશે આપણી જાત કેવી છે !
જેના થકી જિંદગી જીવવા જેવી છે.
બહુ થોડા જ મળ્યા ' મેળ'ના,
અનુભવ્યા જ કર્યું આ સફરમાં ' શૈલ '
એથી'સ્તો હવે જીવી લેવી છે !