હું વિરહિણી
હું વિરહિણી
ક્યાં પિયુના આગમનનો કોઈ પણ અણસાર છે ? હું વિરહિણી,
આભ સાથે આંખો મુજ અનરાધાર છે, હું વિરહિણી,
છેક ક્ષિતિજે અથડાયને ખાલી નજર પાછી ફરી,
ઉદાસ બની મુજ સાંજ, સુની સઘળી સવાર છે, હું વિરહિણી.
સ્મરણોનાં સહવાસે ભારેખમ વીતતી રાતો,
એક-એક ક્ષણ મારી ભયાનક પડકાર છે, હું વિરહિણી,
સેંકડો સુખની વચ્ચે, એની અધૂરપ ઘેરે મને !
શૂન્યતાની ભીડમાં, અહેસાસ બસ આધાર છે, હું વિરહિણી,
હકીકતોનો સામનો તો, કઠિન પહેલેથી હતો,
લો, સ્વપ્ને પણ છળ ! સૂકુન ક્યાં સાકાર છે ? હું વિરહિણી,
હવે પિયા જો બને માધવ, તો હું રહું કેવળ 'મીરાં'!
'ઝંખના' આ એક ફક્ત, દિલ મહીં હદપાર છે, હું વિરહિણી.
