હું ફરિયાદ ક્યાં જઈને નોંધાવું
હું ફરિયાદ ક્યાં જઈને નોંધાવું
આ પંખી કહે તણખલું તણખલું ભેગુ કરી હું માળો બનાવું,
આ વૃક્ષમાં ઘર બનાવું,
ટાઢ તડકાથી,
મારા કુટુંબને બચાવું,
પણ આ અટકચાળો માનવી,
વૃક્ષ ને જમીનદોસ્ત કરે,
મારું ઘર વેર વિખેર કરે,
હું ફરિયાદ ક્યાં જઈને નોંધાવું ?
આ અંધારું કહે,
સૂરજ લાવે કિરણોની સૌગાદ,
ધરતી પર લાવે ઉજાસ,
મારા અસ્તિત્વનો કરે વિનાશ,
હું ફરિયાદ ક્યાં જઈને નોંધાવું ?
આ વૃક્ષ કહે આ અલ્લડ હવા ક્યાં સમજે સંબંધોની અહેમિયત !
મસ્તી મસ્તીમાં મારા પર્ણો ને કરે મારાથી અલગ,
હું ફરિયાદ ક્યાં જઈને નોંધાવું ?
આ સમંદરની રેતી કહે,
આ દરિયો કેવો મનમોજી,
ઘડીમાં મને ભીંજવી દે,
ઘડીમાં તો રિસાઈ જાય,
આ હવા મને ઊડાડી જાય,
હું ફરિયાદ ક્યાં જઈને નોંધાવું ?
આ બાગ કહે,
કેવી ઈર્ષાળુ આ પાનખર,
વિધવાનાં મુંડન જેવું મારું સ્વરૂપ કરી દે,
અપહરણ કરી લે મારા રૂપનું,
હું ફરિયાદ ક્યાં જઈને નોંધાવું ?
આ ઝાકળ કહે,
હું તો તરસ છીપાવું ફૂલની,
શોભાવું મોતીની જેમ,
પણ સૂરજ આવી કરે મારા અસ્તિત્વનો નાશ,
હું એની ફરિયાદ ક્યાં જઈને નોંધાવું ?
આ ચકોર કહે,
કેવી નટખટ વાદળી
આંચલમાં છૂપાવે મારા ચાંદને,
દીદારથી મને વંચિત રાખે,
વિરહની પીડા આપે,
હું ફરિયાદ ક્યાં જઈને નોંધાવું ?
