હું મુંબઈ લોકલ
હું મુંબઈ લોકલ
ઘડિયાળ ના ટકોરે દોડતી હું ,
રાત્રી ના થોડા વિશ્રામ બાદ ફરી જાગી જતી,
હું મુંબઈ લોકલ, આજે એકલી ઊભી વિચાર કરતી હતી... (૧)
કરોડો લોકોના સપનાઓ ને મે મારા સમજીને પૂરા કરવાની કોશિશ કરી હતી.
કેટલાય સુખમાં ખુશ અને દુઃખમાં હું પણ દુઃખી થઈ હતી,
હું મુંબઈ લોકલ, આજે આ સપનાની નગરીમાં એકલી ઊભી વિચાર કરતી હતી.... (૨)
મગ્ન થઈ જતી હું પણ એ ભજનના રણકારથી,
નિરાશ થતી હું પણ એ ઝગડાના અવાજથી,
હું મુંબઈ લોકલ, આ મોટા શહેરમા એકલી ઊભી વિચાર કરતી હતી.... (૩)
અનેક કુદરતી આપદાઓથી લડતી,
બૉમ્બ બ્લાસ્ટ થી ભલે ઘાયલ થયું મારુ શરીર હતું, એ ઘાવ ભૂલીને પણ હું દોડતી હતી
હું મુંબઈ લોકલ, આજે એકલી ઊભી વિચાર કરતી હતી.... (૪)
દરેક કલાકે બદલાતી મારી મંજીલ હતી,
છતા પણ લોકોને એમની સાચી મંજીલ સુધી હું પહોંચાડતી હતી,
હું મુંબઈ લોકલ, આજે કંટાળેલી હવે એકલી ઊભી વિચાર કરતી હતી.... (૫)
સમય સાથે બદલાતી મારી કાયા હતી,
છતા પણ ક્યારે હું ગરીબ અને અમીર નો ભેદ નહોતી રાખતી ,
હું મુંબઈ લોકલ, આજે નિ:સ્વાર્થ એકલી ઊભી વિચાર કરતી હતી.... (૬ )
ક્યારેક જે લોકોનો મને ભાર લાગતો હતો,
આજે, એજ લોકો ને જોવા મારા નયન તરસે છે ,
વિચારું છુ ક્યારે પતશે આ આપદા ,
અને ફરી ચહલ પહલ હશે મારા શહેરમાં,
હું મુંબઈ લોકલ, આજે ગંભીર થેયેલી એકલી ઊભી વિચાર કરતી હતી.... (૭)