હુલામણું સગપણ
હુલામણું સગપણ
રેશમની દોરીએ તારલા જડી,
બાંધુ હું રાખડી મારા વિરલાને,
તારલાની કોરે કોરે ચાંદની ભરી,
બાંધું હું રાખડી મારા વીરલાને,
એના તે આંગણિયે ખુશીઓ ટમટમે,
પ્રેમ સદ્દભાવથી હૈયું એનું ધમધમે,
ઘરમાં એના સમૃદ્ધિનો વહે સમીર,
બાંધુ હું રાખડી મારા વીરલાને,
કુમકુમ તિલક કરી આરતી ઉતારું,
અનિષ્ટ દૂર કરવાં કાજે પ્રેમે ઓવારું,
એના મસ્તકે આશિષનો ધોધ કરી,
બાંધું હું રાખડી મારા વીરલાને,
માતાની છાંયા એ પિતા સમ આધાર છે,
પિયરમાં મારે તો ભાઈનો ઓથાર છે,
શૈશવ કેરી એ તો છે મૂડી મારી,
બાંધું હું રાખડી મારા વીરલાને,
ભાઈ બહેનનું આ સગપણ સોહામણું,
લડે ઝગડે ને કરે પ્રેમથી હુલામણું,
બેનડીની રક્ષા કાજે ધરે ખમીર,
બાંધુ હું રાખડી મારા વીરલાને.
