માતૃભાષા ગુજરાતી
માતૃભાષા ગુજરાતી
વટથી કહો,
મારી માતૃભાષા ગુજરાતી,
પીધાં ગામેગામનાં પાણી,
ચાખ્યાં સહુનાં ભાષા ને વાણી,
પણ મારાં દિલની એક જ રાણી,
મારી માતૃભાષા ગુજરાતી,
માની ગળથૂથીથી મળી
રુધિર બની મુજમાં વહી,
માનો પ્રેમ બની ઉભરાણી,
મારી માતૃભાષા ગુજરાતી,
મૌનની ભાષા કે ઉદ્દગારની વાણી,
શબ્દો એના મીઠાં જાણે ગોળધાણી,
મનોભાવની એ એક જ સરવાણી,
મારી માતૃભાષા ગુજરાતી,
ગાંધી, નર્મદ કે મેઘાણી,
ભાષાનાં વૈભવની કરી સાચવણી,
મોંઘેરી એ જણસની કરશું વધામણી,
મારી માતૃભાષા ગુજરાતી,
મનથી ગુજરાતી, તનથી ગુજરાતી,
રહેશું રોમેરોમ વચનથી ગુજરાતી,
સદા રહીશું અમે એનાં જ બંધાણી,
મારી માતૃભાષા ગુજરાતી.
