યાદોની હેલી
યાદોની હેલી
તારી યાદો છે કે વરસાદની હેલી,
એક જ ઝાપટે ભીંજાઈ મારાં મનની ડેલી,
નેવેથી જેમ વહે જલધાર,
નેણેથી એમ વહે મનનો ભાર,
તારી યાદોનાં વાદળ ફરી વળે ઘેરી,
એક જ ઝાપટે ભીંજાઈ મારાં મનની ડેલી,
વીજળી કરે જોને કેવો ચમકારો !
એવો તારી યાદોનો થાય ઝબકારો,
મારામાં શ્વસે તારી એકએક વાત કહેલી,
એક જ ઝાપટે ભીંજાઈ મારાં મનની ડેલી,
આકાશે થાય કેવો ગડગડાટ !
યાદ આવે તારાં વિરહની હર એક રાત,
કેટલાય ડૂમા લીધા હતાં સંકેલી,
એક જ ઝાપટે ભંજાઈ મારાં મનની ડેલી,
હેલી, ઝાકળ કે હોય ઝાંઝવા નીર,
ભીંજાવાતૂર મારાં ઉરની જમીન,
આ ચાતકને તરસાવે ઢગોની અટખેલી,
એક જ ઝાપટે ભીંજાઈ મારાં મનની ડેલી.

