હૈયું ઠાલવીએ
હૈયું ઠાલવીએ
ચાલને સખી ફરી પાછાં હૈયું ઠાલવીએ,
સામસામે બેસીને વાતો વાગોળીએ,
જમાનો વીત્યો જાણે રૂબરૂ મળ્યાંને,
ચાલને આજ આપણ બેઉ ધમાલે ચડીએ,
ઇષ્ટો, પાંચિકા, શૂન-ચોકડી રમીએ,
મોટે મોટેથી કવિતા ગવડાવીએ,
કાતરા, ચણીબોર વીણીને ખાઈએ,
ને મોગરાનાં ફૂલોની વેણી બનાવીએ,
ખિસ્સામાં કાલનાં સંભારણાં ભરીએ,
આજ તો વડવાઈના ઝૂલામાં ઝૂલીએ,
ચાલને સખી પાટીમાં કાનજી ચિતરીએ
શબ્દ, પલાખાં ને ઘડિયા પણ લખીએ,
નાસ્તાનો ડબ્બો લઈ ઓટલે બેસીએ,
ચાલને સખી ફરી પાછાં હૈયું ઠાલવીએ,
પેન -પેન્સિલ, નોટ-ચોપડી ગોઠવીએ,
"સ્કૂલે જવું છે," એમ મમ્મીને કહીએ,
ચાલને સખી આપણે શાળાએ જઈએ,
અવનવી વાતોનો ખજાનો ખોલીએ,
રજાની મોજ કેરી વાતોય કહીએ,
ચાલને સખી ફરી પાછાં હૈયું ઠાલવીએ.
