હૈયું કરુ છું તારા હસ્તક
હૈયું કરુ છું તારા હસ્તક
એય કુદરત કેવી મનમોહક નયન રમ્ય છે તારી બનાવટ !
રંગ બેરંગી ફૂલો, અને રંગબેરંગી પતંગિયાંની કરી તે ધરા પર સુંદર સજાવટ !
કેવા સુંદર ફૂલોથી, કેવું સુંદર સર્જ્યું તે ઉપવન,
અનેક વિચારોથી સજ્જ તે બનાવ્યું માનવીનું મન.
લાલ, લીલા, પીળા ફૂલોથી સજેલી ધરતી લાગે દુલ્હન !
તારી આ મનમોહક મનભાવન પ્રકૃતિ લાગે મને જાણે કિંમતી ધન !
આકાશે તો જાણે રૂપેરી ઓઢણી ઓઢી,એમાં ટમટમતા તારલિયા સોહાય !
જોને આ સવારના, આ ફૂલો ઝાકળના બિંદુથી નહાય !
નથી મારી પાસે શબ્દો,નથી મારી પાસે કોઈ અલંકાર !
કેવી સુંદર ધરાને, કેવું આબેહૂબ સર્જ્યું તે અંબર !
કેવા ટટાર પર્વતો ઊભા,ઝરણા કરે ઝણકાર,
લાગે જાણે કોઈ મુગ્ધાનાં પાયલનો રણકાર !
આ ફૂલો તો જાણે આબેહૂબ તારો ચહેરો લાગે !
જોને આ ઝાકળની વાગે ડોરબેલથી ફૂલો જાગે !
તારું વર્ણન કરી શકે એવા નથી છંદ,નથી પ્રાસ, નથી કોઈ પુસ્તક,
એટલે તારું જ સર્જેલું હૈયું કરું છું તારા હસ્તક !
એય કુદરત જોઈને તારી સુંદર અલૌકિક કારીગરી,
હું તો જાઉં છું બસ તારા પર વારી વારી.
કશુજ લખી શકું એમ નથી એટલે હૈયું કરું છું તારા હસ્તક,
બસ તારી આ અલૌકિક, અદભુત કુદરતને જોઈ નમાવું છું હું મસ્તક.
આ જૂઈ, ચમેલી, મોગરો, ગુલાબ મહેકે,
રાત રાણી તો લાગે જાણે કોઈ પરી !
તારી તો હરેક એક એક રચના લાગે મને પ્યારી !
