ગરીબ સ્ત્રીનું ગીત
ગરીબ સ્ત્રીનું ગીત
તાંતણા એક એક જોડે તે રોજ રોજ તાંતણા તેર તેર તૂટે.
ગરીબડી બાય એક જીવતર કાપવા ઠામડાં ઘેર ઘેર ઉટકે.
નફ્ફટ નાનીયો એનો ધણી રોજ લથબથતો ઘેર આવે,
ઉડાવે પૈસો એ બાયની કમાણીનો દારૂ 'ને દસ દસ માવે.
ઉઝરડાંને અંગ પર ઢાંકે છે થિંગડા મનમાં ઉઝરડાઓ ખૂંતે.
ગરીબડી બાય એક જીવતર કાપવા ઠામડાં ઘેર ઘેર ઉટકે.
ચાર ચાર દીકરી 'ને નાનો છે દીકરો 'ને રે'વાનું રોડને કાંઠે.
નાની શી થેલીમાં આવતું અનાજ એ કેમ કરી ભૂખને ગાંઠે ?
પેટ ભરે રોટલાના ચોંથિયા ભાગે 'ને બાકીનું પાણીના ઘૂંટડે.
ગરીબડી બાય એક જીવતર કાપવા ઠામડાં ઘેર ઘેર ઉટકે.
પેનીમાં ચીરા 'ને હાથે કરચલી ; શ્યામ વરણ થયો આખો.
હૈડાની વેદનાને રોકી બેઠો છે એની પાંખી પાંપણનો ઝાંપો.
નાના છોરૂડાંની આંખમાં લાગતું ઉગશે સૂરજ ઝૂંપડે.
ગરીબડી બાય એક જીવતર કાપવા ઠામડાં ઘેર ઘેર ઉટકે.