એ તું છે
એ તું છે


સવારનાં પહોરમાં લાગતી,
ભીનાશ એ તું છે !
પાંદડે બાજેલું પેલું ઝાકળનું,
બિંદુ એ તું છે !
ધીમે ધીમે ચડતાં સૂરજનો,
ઉન્માદ એ તું છે !
ધૂળ ઉડાડતી પવનની,
લહેરખીઓ એ તું છે !
કોઈ મા એ કરેલો બાળક પર,
વ્હાલ એ તું છે !
વૃક્ષની ડાળીએ ફૂંટેલી,
કૂણી કૂંપળ એ તું છે !
પ્રેમીના ગાલે પડતું પ્રેમિકાનું,
સ્પંદન એ તું છે !
ફૂલોને થતું ભમરાનું,
ચુંબન એ તું છે !
ભરઉનાળે જડતી વૃક્ષની,
છાંયડી એ તું છે !
પતંગિયાની પંખોમાં રંગોનું,
સમન્વય એ તું છે !
ધાબે પથરાતી શીતળ એવી,
ચાંદની એ તું છે !
લાંબી રાતની નીરવ,
શાંતિ એ તું છે !
નવરાશમાં મારો વેડફાતો,
સમય એ તું છે !
જીવનનો પહેલો શ્વાસ ને,
આખરી ધબકાર એ તું છે !
ને હવે કદીએ ના કહેતી,
કે તું મારામાં કયા છે ?