પિતાનો મોક્ષ
પિતાનો મોક્ષ


લાંબા સમયથી પથારીવશ પડેલા,
જીવનનાં અંતિમ ક્ષણો ગણી રહેલા,
પિતાને આ જીવનથી મોક્ષ અપાવવા,
એક વ્યસ્ત દીકરો બધું જ કરી ચુકેલો.
જમીન ને મિલકતમાં બહેનોને ભાગ આપ્યો,
પોતાની સ્વર્ગસ્થ માના નામે નિશાળ ખોલી,
પોતાનાં ભાઈઓને ધંધા-વેપારમાં સાથે લીધાં,
ગામના પ્રવેશદ્વારે દાદા-દાદીનું નામ લખાવ્યું,
સગા-વ્હાલા તેડાવી જીવતું જગતિયું કર્યું,
પિતાને મનગમતું ગીત પૌત્રી દ્વારા ગવડાવ્યું,
છતાં પિતાનો જીવ કેમ જાણે છૂટતો જ નહોતો !
આખરે કંટાળીને જેવો એ વ્યસ્ત દીકરો,
પિતાની પાસે ખાટલે બેસી,
એમના માથે હળવેકથી હાથ ફેરવી,
શાંતિથી એમની આંખોમાં જોવે છે કે, તરત
ખુલ્લી આંખે એ પિતાનો જીવ જાય છે !