દરિયો આવી ચઢ્યો
દરિયો આવી ચઢ્યો
વળાવી આવીને હજુ તો હું હીંચકે જ બેઠો હતોને ---
દરિયો આવી ચઢ્યો ઉંબરે,
ઘરની ભીંતો લાગી ડોલવા, કદાચ મારા ઉપર ધસવા,
ફળિયા વચ્ચેની મોજ ફીણ ફીણ થઇ વિલાઇ ગઇ હવામાં,
આખુંયે આકાશ જાણે કે ઘરના છાપરાને માથે લઇ ઉડ્યું,
મહાયુધ્ધની ભીષણ જ્વાળા ઘરમાં જ ભભૂકી ઉઠી,
સૂર્ય કોઇનાથી પણ ડર્યા વિના થઇ ગયો રાતોચોળ,
હૈયે ઉભરાતા ઓરતા ઘુઘવતા સાગરમાં જળ જળ થઇ ગયા,
ઘર જળબંબાકાર અને ઇચ્છાઓનું મોત
પતરાંનાં છાપરાં રૂંવે ભીતર,
અંધારાનાં ઝુંડ સેંકડોની સંખ્યામાં ત્રાટકયાં સામટાં
અરે ! મારા ઘરનું અજવાળું ક્યાં ?
કોઇ લાવો મારૂં અજવાળું
પણ ..
પછી ખબર પડી કે
એ તો બાના સાલ્લે લટકીને, બા સાથે જ ચાલ્યું ગયું ..!
