STORYMIRROR

Hiren Maheta

Fantasy Inspirational

3  

Hiren Maheta

Fantasy Inspirational

દીકરી આજે પરણી ચાલી

દીકરી આજે પરણી ચાલી

1 min
269

આંગણ ખાલી, ચોરી ખાલી, કલબલ કરતું ફળિયું ખાલી, 

ઘરની ભીંતે થાપા દઈને, દીકરી આજે પરણી ચાલી….


પારેવું પાનેતર પહેરી, પિયરીયાની આછી લહેરી,

પા-પા પગલી કરતી કાલે, સોળ વરસની આજે મહેરી,

એની પાછળ મારા ઘરની માત સરીખી ધરણી ચાલી,

ઘરની ભીંતે થાપા દઈને, દીકરી આજે પરણી ચાલી….


આંખે સઘળાં હેત ભરીને, મોઢે મીઠું સ્મિત ધરીને,

સંતાકુકડી રમતી કાલે, માંડવે ઊભી આજ ફરીને,

મારા જીવનનાં વૈભવની આવેલી એ હરણી ચાલી,

ઘરની ભીંતે થાપા દઈને, દીકરી આજે પરણી ચાલી….


માતાની મમતાનો આરો, મારા ઘરનો તુલસી ક્યારો,

વ્હાલ ભરીને વરસે ત્યારે છલકાવે આ પાણીયારો,

ગામ વચાળે આમ અચાનક ઘરની એ આદરણી ચાલી,

ઘરની ભીંતે થાપા દઈને, દીકરી આજે પરણી ચાલી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy