દેજે !
દેજે !
રહું ગમતો અહીં સૌને, મને એવું નમન દેજે !
ને આવે મોત ત્યારે, બાદશાહી તું ગમન દેજે !
મને ખુશબૂ મળે કે ના મળે, તેની નથી ચિંતા,
જગે સૌને સુગંધી ફૂલનો રૂડો ચમન દેજે !
નથી કો' આવડત ગાવા તણી કે હું નથી જ્ઞાની,
છતાં ગાવું પડે તો રાગ ત્યારે તું યમન દેજે !
ભલેને જંગ મારા માંહ્યલામાં હોય ખેલાતો,
થવાનું હોય જે મારું, જગતને તું અમન દેજે !
ભરાતી હોય જો કડવાશ કો' પ્રત્યે મને 'સાગર',
બનીને રાખ આવે બા'ર એવું તો વમન દેજે !
