ડહાપણને ધક્કો
ડહાપણને ધક્કો
હાલને ડહાપણને ધક્કો મારી બાળપણને ખેંચી લાવીએ,
ચણીયાબોરની ઢગલી કરીને તોફાની ટોળીમાં વહેંચી આવીએ..
દિલબહાર ચૂરણની ડબ્બીઓ લાવીને હથેળી પર વેરીને ચાટીએ,
કાચા પાકા જામફળની ચીરૂ ઉપર મરચું 'ને મીઠું ભભરાવીએ..
પોપીન્સની ગોળીયું 'ને 'કોલેટી'ની ભરપૂર મિજબાની ઉડાવીએ,
ચાર આનામાં પાંચ પીપર ખરીદવાનો લાહવો લૂંટી આવીએ..
ઝગમગ, ચક્રમ, ફુલવાડી 'ને ફેન્ટમ એકબીજાને વાંચી સંભળાવીએ,
છેલ છબો છકો મકો 'ને બકોર પટેલને પણ બોલાવીએ..
એક સાઇકલમાં ત્રીપલ સવારી બેસી જુની ટોકીઝ બાજુ આંટો મારીએ,
ત્રણ રૂપિયાની સ્ટોલની ટિકિટમાં'ય નવાબી ઠાઠ માણીએ..
ઈન્ટરવલમાં બે રૂપિયાના સિંગચણાની જયાફત ઉડાવીએ,
થોડું પરચુરણ જો વધે તો ઠેરીવાળી સોડાની બોટલ ગટગટાવીએ..
મંકી છાપ દંતમંજન ઘસીને નિર્દોષ હાસ્યની છોળો ઉડાવીએ,
મળી જાય જો જુની એ ક્ષણો તો વિતેલા બાળપણને માણીએ..
હાલને ડહાપણને ધક્કો મારી બાળપણને ખેંચી લાવીએ..
