ચંદ્રયાન
ચંદ્રયાન
અખિલ બ્રહ્માંડે સ્થિત નભમાં વિહરુ છું હું,
દેવાધિદેવ મહાદેવના શિરે શોભાયમાન છું હું.
ગણેશજીના શાપથી નાનો મોટો થાઉં છું હું,
નથી હું માનવ કે ક્યારેય ખોટો સાબિત થાઉં હું.
ક્યારેક પ્રેમીઓની કલ્પનાઓમાં ઉપમા બનું હું,
ક્યારેક મારા લાંછન થકી હીનતા અનુભવું હું.
તેજ ઉછીનું લઇ ભલે પ્રકાશિત થાઉં હું,
નથી ફાનસ કે અન્યના સહારે અજવાળું પાથરું હું.
હું નડું છું એવા વહેમમાં અંધશ્રદ્ધામાં રાચે,
મારી શીતળતા ધારણ કરવાના નુસખા શોધે.
ચંદ્રયાન લઈ મારા સુધી પહોંચવાની યોજનાઓ ઘડે,
પાડોશીને મદદ કરતાં એને આભડછેટ નડે.
મારા ગ્રહણના લાંછનથી બચવા મંદિરોમાં પૂજા કરે,
ઈશને ગ્રહણ ના નડે એટલે ઓજલમાં રાખે.
આ માનવ ભલે નવ ગ્રહોને ધારણ કરે,
પણ આતમને અજવાળનાર ચાંદને ના પિછાણી શકે.
