ચાર કદમ
ચાર કદમ


અપેક્ષાઓ દુઃખનું મૂળ છે, પણ,આવું તો ત્યારે જ અનુભવાય છે,
એક તરફથી લાગણી, અને બીજી તરફથી જ્યારે માત્ર વ્યવહારો સચવાય છે.
એકના દિલમાં હવે કોઈ અવકાશ નથી ને બીજાનું દિલ ઉત્સાહથી છલકાય છે,
યાદ આવવું અને યાદ અપાવવું ની વચ્ચે ક્યાંક યાદો જ ઝંખવાય છે,
આ તું અને હું ના ચક્કરમાં, આપણાપણું ક્યાંક ખોવાય છે,
તારા અને મારા સમય વચ્ચે, આપણો સમય ક્યાંક ખોરવાય છે.
દૂર તો નથી અને નહોતા, જો ઈચ્છીએ તો ચાર કદમ ચલાય જ છે,
વાત અહીં ઈચ્છાની છે 'નિપુર્ણ', બાકી મોકા તો ઊભા પણ કરી શકાય છે.