ભીનું વાદળ
ભીનું વાદળ
આજ એક ભીનું વાદળ અંતરમાં અગમ્ય આગ લગાડી ગયું,
એવું લાગ્યું કે વરસાદ બની કોઈ અમથું અમથું છળી ગયું !
અમૃત જેવા અમી છાંટણા પણ કરી ગયા અમોને આજ બરબાદ,
તો કોઈને ભાવ ભરેલી ભીની ભવ્યતાથી કેવું આબાદ કરી ગયું !
હર ચોમાસે ભીનું એકાંત સાચવું છું એકલો હદયની છત્રી વચ્ચે,
ને દંભનો રેઈનકોટ ઓઢીને હર વખત ચોમાસુ છેતરી ગયું !
હવે થાકેલી ધડકનો કરી રહી આંસુના સરોવરમાં છબછબિયાં,
કોણ આ કોરી કોરી પલકો તળે વારિ ઉદાસીનું વરસાવી ગયું ?
અનરાધાર નહીં તો વ્હાલની એકાદી વાછટ બનીને તો આવ વ્હાલા,
હર ચોમાસુ તારા વિરહમાં વાંઝણી તમન્નાઓને તડપાવી ગયું !
એક "પરમ" વાદળ બંધાઈને વરસ્યા કરે આ પાંપણે અવિરત,
એક ચોમાસુ હર ચોમાસે ભીતર તારા પ્રેમમાં "પાગલ" કરી ગયું !
