ભીંતને કરો
ભીંતને કરો
પીયુના પગલે પગલે ચાલી દીધો હાથમાં હાથ,
અણજાણ્યા બે હૈયાં ધબક્યાં એક બીજાની સાથ.
હાથ ઝાલીને સપ્તપદીના વચનો આપ્યા સાત,
ચોરીના મંગળ ફેરામાં એ ભવ ભવનાં સંગાથ.
એકમેકને ઓળખવામાં કરી સમર્પિત જાત,
શ્રદ્ધા, સમર્પણ અને વિશ્વાસે તરવા સાગર સાત.
સુખ-દુઃખને ચડતી-પડતી સૌ વેઠ્યા રહી સંગાથ,
સંતાનો પણ પંખી જાણે ભરી ઉડાન જ્યાં ફૂટી પાંખ.
એકબીજાની હૂંફ અને કાળજી ભૂલાવે જગતાપ
પ્રૌઢાવસ્થા પણ લાવી દે સ્નેહ તણી સૌગાત
આયખું આખું એકમેકને સોંપ્યું હાથો હાથ,
ભિતર કોઈ ડર હીંચકોલે મધદરિયે ખડું જહાજ.
ના પડશે સાથે ભીંત ને કરો ચિંતા દિવસ રાત,
અખંડ રાખજો સથવારો ઈશ જતી વેળાનો સાથ.

