બારીને પૂછ્યું
બારીને પૂછ્યું
ગીત
ઘરની બારી
બારીને પૂછ્યું કે બહાર શું દેખાય ?
એ કહે કે,ભીતરે આકાશ રેલાય.
ખૂણામાં સૂતેલી એકલતા બોલી,
મેં તો યાદોની આજે બારી છે ખોલી,
બંધ કરી રાખેલા ઓરડાની અંદર,
કોઈ જૂનો સાદ હજી હળવેથી સંભળાય.
બારીને પૂછ્યું કે બહાર શું દેખાય ?
એ કહે કે, ભીતરે આકાશ રેલાય.
સાચવીને રાખ્યો છે આંગણાનો તડકો,
ને કાચમાં ઝિલાયો છે યાદોનો પડઘો,
ભીંતો પર ભલે હવે જાળાં વળગ્યાં હોય,
પણ ઉંબરે તો હજીય ઉજાસ સચવાય.
બારીને પૂછ્યું કે બહાર શું દેખાય ?
એ કહે કે, ભીતરે આકાશ રેલાય.
ખિસ્સામાં લઈને અમે આખુંય શહેર,
પણ ઘરને તો વળગી છે ગામડાની લહેર,
બંધ કરેલા આ ઘરના તાળામાં,
હજી પેલા બાળપણનો જીવ અટવાય.
બારીને પૂછ્યું કે બહાર શું દેખાય ?
