પાદરની ધૂળ
પાદરની ધૂળ
.
પગરખાંમાં રહી ગઈ છે પાદરની ધૂળ,
આ શહેરમાં કેમ કરી રોપવી ?
સાચવીને રાખી છે હૈયે સ્મૃતિની મૂડી
બોલો, એને કોને તે સોંપવી ?
ગાર કરેલી પેલી ઓસરીની કોરે,
હજી ચકલીઓ ટોળે વળે છે,
બંધ કરેલા પેલા ઓરડાની અંદર,
કોણ દીવો લઈને હજીયે મળે છે ?
ભીંતે ચોંટેલા પેલા સન્નાટાને,
ગામની એ વાતોમાં ગોઠવવી,
પગરખાંમાં રહી ગઈ છે પાદરની ધૂળ...
તળાવના પાણીમાં નાખેલો પથ્થર,
હજી કુંડાળાં બનીને રેલાય,
ગામ આખું છૂટી ગયું પાછળ છતાંય,
એની સુગંધ તો ભીતર જ દેખાય.
પતંગિયાની પાંખ જેવી નાજુક યાદો,
આ કાચના શહેરમાં શી રીતે સાચવવી ?
પગરખાંમાં રહી ગઈ છે પાદરની ધૂળ...
-દિનેશ નાયક 'અક્ષર'
