બાલ્યાવસ્થા
બાલ્યાવસ્થા
રેત તણી ઢગલી,
ને રેતીની બંગલી.
રડવું એ અસલી,
હાસ્ય પણ અસલી,
ફૂદકતાં ફરતાં,
થઈને જાણે ચકલી,
પકડદાવ, લંગડી,
ને સંતાકુકડી.
ગલીમાં ગોકીરો,
ગિલીદંડાની ધમાચકડી,
ચણિયા મણિયા બોર,
ને ભરેલી કાકડી.
આવતી'તી એની,
લિજ્જત બહુ ફાંકડી.
વાતે વાતે અંચાઈ,
ને નાની નાની લુચ્ચાઈ,
ખુશીનો ખજાનો,
છો ને વસ્તુની ટંચાઈ,
છલકતી એ દુનિયા,
ન જાણે ક્યાં ખોવાઈ ?
બાળકમાંથી બાળપણ ગયું !
દાદા-દાદીનું વ્હાલ ગયું
આભાસી તેમનું વિશ્વ થયું,
વૈભવની છોળો વચ્ચે,
લાડથી મહાલતા,
છતાં રમકડાનાં ઢગ,
વચ્ચેની એકલતા
મીડિયાની માયાજાળમાં,
ગુમાવતા તરલતા,
મીડિયા અને મીડિયમ,
વચ્ચે શૈશવને છળતા.
