અવર્ણનીય
અવર્ણનીય
કુદરતની બનાવેલી આ દરેક ચીજ અવર્ણનીય છે,
ઘટાટોપ વૃક્ષ જેમાંથી થાય, એ બીજ અવર્ણનીય છે.
ચંદ્રની શીતળતા અને સંધ્યાના રંગો અવર્ણનીય છે,
ચાંદનીમાં ઉઠતા સાગરના આ તરંગો અવર્ણનીય છે.
પંખીનો કલરવ અને મોરનો મીઠો ટહુકો અવર્ણનીય છે,
કેસરિયો ગુલમ્હોરને વળી આ મહુડો અવર્ણનીય છે.
આકાશમાં તારાનું ટમટમવુંને ખરવું અવર્ણનીય છે,
પાણીમાં રંગબેરંગી આ માછલીનું તરવું અવર્ણનીય છે.
કુદરતની કેવી છે કરામત, લીલા એની અવર્ણનીય છે,
ફૂલમાં ભરે સુગંધ એ 'કુસુમ' કલા કેવી અવર્ણનીય છે.
