અષાઢી ઓરતાં મધુરાં
અષાઢી ઓરતાં મધુરાં
તમે વરસો તો લાગો વ્હાલાં રે વાદળાં
દૂર દૂર ભમો તો વિરહનાં ગાણાં.
પવન સપાટે ભમજો ગગન ગજવતાં
ધન્ય ! વરસો બહુ આભલાં પલાણાં
ડુંગરે વરસો મારા હૃદિયાના રાજા
અષાઢી અંબર રે ઓરતાં મધુરાં
વન વગડાની ધરતી મ્હેંકે વાલમિયા
સરવર સરિતાનાં રમે જોબન ઘેલાં…
ગમે ઝરુખડે હીંચકો ને મસ્ત હેલી
રમાડે ભીંની ભીંનાશ ચારેકોર
નભને ધરણીના અંગે ચોળી કુમાશી
મેઘ મલ્હારે હીંચે સ્નેહલ દોર
સૃષ્ટિનો આધાર મેઘ તમે છો રાજન
ખીલશે ઉરે લીલુડાં નંદન.
અષાઢી અંબર તમે રુઆબે ગાજજો
ધરણી ડુંગરા કરે વંદન.