અષાઢી હેલીમાં વરસતો હૈયે પ્રેમ
અષાઢી હેલીમાં વરસતો હૈયે પ્રેમ
હે.. જી.
કાળા ડિબાંગ ઘેરાયા આ વાદળાં,
માથે મેઘ વરસે ઘનઘોર
એવા ભીના હૈયાનાં મુજ આંગણે,
યાદ આવે વ્હાલો ચિત્તચોર.
જો ને...
વેરી બની ટહુકે મીઠું કોયલડી,
વીજળી કાપે પિયુની યાદોની દોર
આ ઝરમર વરસતો મેહુલિયો, જાણે વરસાવે પ્રેમ પિયુનો ચારેકોર,
હે.. જી..
ભિંજાય દલડું ભીતર સ્નેહથી, મ્હેક પ્રસરી પ્રેમની ચારેકોર
જોને પ્રીત થકી જ જગ રળિયામણું, પિયુની પ્રીતના ન હોય કોઈ મોલ,
જો. ને..
જામી અષાઢી હેલી આજ,
વ્હાલી જોતી હેતે પિયુ કેરી વાટ,
અભરખા ઉરમાં પિયુ મિલન કેરા, છલકે પ્રેમની હૈયાની ચારેકોર,
હે.. જી..
વ્હાલમ દીઠો ભીંજાતો દૂર,
પછી હૈયું રહે જ નહીં આ હાથ
ઝાઝા હેતે ભીંજાઈ દોડતી,
ભેટી પિયુને શમાવે વિરહ કેરી આગ,
જો..ને.
મલકે ઝાઝું મેહુલો ને મીઠું ટહુકે કોયલ ને મધુરાં મોર,
પ્રીત મિલનની આ પાવન ઘડી, અમુલખ પિયુનાં હેતથી વ્હાલી ઓળઘોળ.


