અનુભવ
અનુભવ
બારમા ધોરણ પછી શહેરની બહાર
એડમિશન મળતા દૂર જતી પુત્રીને
તેના હોસ્ટેલ સુધી મૂકી છેલ્લે
ઘર તરફ પાછા વળતાનો અનુભવ:
હાથ ઊંચો કર્યો “આવજો” કહેવા -
રડવું જે ખૂબ ધ્રુસકે-ધ્રુસકે પણ
આંખમાં આંસુ લાવવા નથી,
ચહેરો પડી ગયો છે પણ તેને તે
બતાવવું નથી, ચહેરા પરના
હાવ ભાવ છુપાવવા છે, હોઠ પર
બનાવટી હસીને આંખો છે ભીની ભીની!
દુખી મનની વ્યથા કોઈને કહેવી નથી,
કાળજાનો કટકો જવા નો તો
હતો જ એક દિવસ વિદાય થઈને
પોતાના બીજા ઘેર ,આટલી વહેલી
થશે દૂર ,તે હતી કોને ખબર !
આવજે બેટા ફરી રજાઓમાં
બોલાય છે માંડ માંડ, ખાજે પીજે -
બરાબર , ચિંતાઓ ઘટતી નથી કેમ?
બધી સગવડવાળી હોસ્ટેલ શોધી તોય
આ મનનો વલોપાત ઓછો થતો નથી!
આખા ઘરમાં કૂદાકૂદ કરતી તે “તોફાની”
હવે દેખાશે નહીં, મોબાઇલમાં
કંઈ પણ સમજણ ના પડે તો
મારી તે સલાહકાર હવે દેખાશે નહિ...
રડવું છે ખુબ ધ્રુસકે ધ્રુસકે પણ આંખમાં
આંસુ લાવવા નથી ! ચહેરો પડી ગયો
છે પણ, તેને તે બતાવવું નથી !
ઉછળકૂદને ધમાલ મચાવતી એ
મારી “વાંદરી”ની ધમાલ હવે ઘરમાં
વર્તાતી નથી, ફોન કરીને ખબર
પૂછતા કહે છે - “તું કેમ કરે છે,
ચિંતા મારી આટલી ?" ઘરમાં
સૌથી નાની લાડકવાઈ, ક્યારે થઈ
ગઈ આટલી મોટી તે સમજાતું નથી ?
રડવું છે ખૂબ ધ્રુસકે ધ્રુસકે
પણ આંખોમાં આંસુ લાવવા નથી !
