અનોખો વિરોધ
અનોખો વિરોધ
આયાન હાથમાં ગુલાબનો સુગંધિત હાર લઇને ઉભો હતો. આંખમાં ભીનાશને લીધે આશકાનો ચહેરો સ્પષ્ટ જોઈ શકાતો નહોતો. છતાં આયાનને મનમાં થયું,
“કેટલી તરોતાજા અને સર્વાંગ સુંદર લાગે છે!”
વાતાવરણમાં ભારેખમ મૌન હતું. આયાને ટેબલ પર ગોઠવેલા આશકાના ફોટાને એ ગુલાબનો હાર પહેરાવ્યો ત્યારે પ્રાર્થનાસભામાં હાજર દરેક આંખ નિતરી રહી.
લૌકિક વિધી પતાવીને આયાન પોતાના રુમમાં દિવાલ પર ટાંગેલ પોતાના બંનેના હાથમાં હાથ પકડીને ચિર આનંદમય મુદ્રામાં પડાવેલ ફોટા સામે વેદનાથી જોઈ રહ્યો હતો.
“આમ કાંઈ હોય? આવો વિરોધ?”
સંપન્ન લોકોના બધા શોખ ધરાવતા આયાનને લગ્ન પહેલાંથી આશકા સમજાવતી રહેતી પણ લગ્ન પછી પણ અનિયંત્રિત જિંદગી છોડવા માટે સમજાવટથી ન માનતાં આશકાએ સામાન્ય કરતાં અનોખો વિરોધ નોંધાવ્યો.
“આયાન, તેં બંધ ન કર્યો તો મેં ચાલુ કર્યો. તને માત્ર પ્રેમનો નશો મંજુર નહોતો. અને મને તું બીજો નશો કરે એ મંજુર નહોતું.”
હોસ્પિટલનો સ્ટાફ અનોખી પ્રેમકહાનીનો સાક્ષી બન્યો હતો.
