આવો મેઘરાજા
આવો મેઘરાજા
આવો ને આવો મેઘરાજા,
વગાડીને વીજળીના વાજા,
ઋતુ તમારી આવી હવે,
ભાવ ના ખાઓ ઝાઝાં,
પરસેવે રેબઝેબ થાતાં અમે,
ગરમીએ મૂકી દીધી માઝા,
તમારી સવારી આવે એટલે,
નાહીને વૃક્ષો થશે તાજાં,
ઢંકાયા સૂરજદાદા વાદળે,
વિખેરો નહિ એમને ઓ રાજા,
તમારી રાહમાં માંદા પડેલા,
ચાતકોને કરો હવે સાજા,
કળા કરીને થાક્યો આ મોર હવે,
રાહ કોની જુઓ ઓ મેઘરાજા ?
