આંસુઓને ધાર છે
આંસુઓને ધાર છે
દર્દ છે, આ કાયમીના દર્દનો ઉપચાર છે,
આ શહેરમાં તો તબીબો પણ બધા બીમાર છે.
એમને તો સ્હેજ પણ ક્યાં આપની દરકાર છે,
જેની ખાતર જીવ પણ તું આપવા તૈયાર છે.
વાહ રે કેવી જમાવટ છે આ મારી કબ્ર પર
બદનસીબી પટકે માથું, મુફલિસી રડનાર છે.
આપ સ્વીકારો, સ્વીકારો ના કશોએ રંજ શું ?
દર્દ લઈને આવો તો પણ આપનો સ્વીકાર છે.
એક ખુશી ખોવાઈ છે દેખાય તો કહેજે મને,
હે ખુદા મેં સાંભળ્યું છે તું બધું જોનાર છે.
શું જુલમ છે કે સપન પણ આવતા બીવે અહીં
આંખમાં જે આંસુઓ છે એમને પણ ધાર છે.
ક્યાંક પયગમ્બર બની ના જાઉં એનો ડર રહે,
એક
ધારી યાતના છે, પીડ પારાવાર છે.
વાત તારી મશ્કરીમાં લઇ લે તો હૈરત નહિ,
જિંદગીમાં કોઈને કહેતો નહીં કે, "પ્યાર છે".
મૌત આગળની વિવશતાઓ નિહાળી છે અમે,
જિંદગી સામે અમારી જિંદગી લાચાર છે.
મારા જીવનનો સરળ, સીધો પરિચય આ રહ્યો,
દુર્દશાની દોસ્તીમાં મુફલિસીનો માર છે,
જાત ફાટી ગઈ તો જીવતી લાશ થઈને રહી ગઈ
અવદશા કેવી છે જો ને, જીવ આખો બહાર છે.
તું નથી સમજ્યો અગર તો લે તને સમજાવી દઉં
જિંદગી કંઈ પણ નથી બસ મૌતનો વિસ્તાર છે.
હું ફક્ત "બેબસ" છું "બેબસ"થી વધીને કંઈ નથી,
દુઃખ થશે તમને પરંતુ આપનો આભાર છે.