થઈ ગયા
થઈ ગયા
ફૂલ પણ ખુશ્બુ વિનાના થઇ ગયા,
પાનખરના સૌ દિવાના થઇ ગયા.
હા મળ્યા'તા આપણે કાલે જ,પણ,
એમ લાગ્યું કે જમાના થઇ ગયા.
એના ઘરની નોકરી મેં લઈ લીધી
રોજ મળવાના બહાના થઇ ગયા.
હા તમે સાચા છો રડશો ના હવે
એટલું કીધું તો છાના થઇ ગયા.
રૂઠી ને બેઠી કલાલણ ત્યારથી,
જામ આંસુના પીવાના થઈ ગયા.
એ હવે તમને મળી શકશે નહિ
ટોટલી એ તો ખુદાના થઇ ગયા.
ઈશકેદારી છોડ દુનિયાદારી કર
જે હતા તારા બીજાના થઇ ગયા.
આઠ આના લઇ ગઈ એ પ્રેમમાં
જિંદગીના આઠ આના થઇ ગયા.
પ્રેમન
ા રબ્બરથી એ ભૂંસતા રહ્યા
જિંદગીના કોરા પાનાં થઇ ગયા.
પ્રેમ ક્યાં બાકી ? હવે તો દેહના,
જ્યાં જુઓ ત્યાં કારખાના થઇ ગયા.
બહાર ન નીકળ્યા અહમના વેશથી
દેડકા તેઓ કૂવાના થઇ ગયા.
હું ગયો મળવા મને દીધો દગો
એય રહેવાસી કુફાના થઇ ગયા.
ઘા હૃદયના કેમ રુઝાતા નથી?
નખ તમારા કાપવાના થઇ ગયા.
આખું જગ ડાહ્યું હતું એથી અમે
જગ મહી પાગલ દિવાના થઇ ગયા.
ચાર શાયર ટ્રેનમાં ભેગા મળ્યા
હાલ બુરા કાફિયાના થઇ ગયા.
નગરી હા આવી ગઇ નડીયાદની
ભાનમાં લ્યો ચાર દાના થઇ ગયા.