ઉપહાર માં તમારો
ઉપહાર માં તમારો


કેવી રીતે ભૂલું હું ઉપકાર માં તમારો,
આપ્યો છે ઇશ્વરે આ ઉપહાર માં તમારો.
નિઃસ્વાર્થ સ્નેહ તારો, બીજે કદી મળે ના,
ઈશ્વરની યાદ આપે છે પ્યાર માં તમારો.
દુઃખ દર્દ વેઠી વેઠી મારુ જતન કર્યું તેં,
ચૂકવી શકું કદી ના આભાર માં તમારો.
મારા ઉછેર પાછળ જીવન તેં ખર્ચી નાખ્યું,
"મારું જીવન" રહ્યો છે સંસાર માં તમારો.
આવી શક્યો ન જાતે ભગવાન આ ધરા પર,
એથી ધર્યો છે એણે અવતાર માં તમારો.
ખીલતી રહે સદા તું હસતી રહે સદા તું,
ઘરની ખુશીમાં કાયમ આધાર માં તમારો.
આશિષ આપજે કે જીવન બને આ સાર્થક,
દુઃખમાં રહ્યો છે કાયમ સહકાર માં તમારો.
હો જન્મદિન મુબારક અય મારી જન્મદાતા,
હરદમ રહે નિરોગી ધબકાર માં તમારો.
માંગુ પ્રભુથી, તારી દીર્ઘાયુ જિંદગી હો,
હળવો કરી દે ઈશ્વર સૌ ભાર માં તમારો.