આ ઘર હવે ખંડેર લાગે છે
આ ઘર હવે ખંડેર લાગે છે
નથી લાગતું આ ઘર હવે ઘર,
મારા બાલુડા તમારા વિના આ ઘર ખંડેર લાગે છે,
સવારના ઊઠું ત્યાં મમ્મી મમ્મીનો પોકાર કોઈ કરતું નથી,
નાસ્તામાં વિવિધ ચીજોની કોઈ ડિમાન્ડ કરતું નથી,
દિવાળી આવી પણ રંગોની માંગણી કોઈ કરતું નથી,
સૂનું છે આંગણું આ રંગોળી વિના, સૂનું મારું હૈયું મારા બાલુડા વિના,
પિત્ઝા ,બર્ગર કે પાવભાજી હવે ઘરમાં બનતી નથી,
ભાવતી વસ્તુમાં પણ પહેલા જેવો સ્વાદ આવતો નથી,
તમારા પર હેતાળ હાથ હવે હું ફેરવી શકતી નથી,
ખબર નહીં પણ મારાથી જ હું જુદી પડી ગઈ છું,
નવા રિશ્તાઓ હું હવે જોડી શકતી નથી,
આ બાગના ફૂલોય જાણે તમારા વિના હસતા નથી,
કોણ જાણે આ પંખીઓ પણ ગીત ગાતા નથી,
ખબર નહીં આ હવા પણ કેમ ચૂપચાપ છે,
એ પણ કઈ સંદેશો લાવતી નથી,
આ ચાંદ ત્યાં પણ ઊગતો હશે ને ?
એ પણ કઈ સંદેશો લાવતો નથી,
ખંડેર બન્યું આ ઘર મારા બાલુડા તમારા વિના,
ખંડેર બન્યું મારું હૈયાનું ઘર, મારા બાલુડા તમારા વિના,
બીમાર પડી જાવ તમે, તો મારા જેવી ફિકર કોઈ કરતું નહીં હોય,
ઉદાસ હોઉં તમે ત્યારે કોઈ ખુશીનું ગીત સંભળાવતું નહીં હોય,
શું કરવું સમજણ નથી પડતી,
સાથ ઝંખું છું તમારો અને ઉજ્જવળ ભવિષ્ય પણ,
મારા બાલુડા તમારા વિના આ ઘર સાવ ખંડેર લાગે છે.