આ છે સંસારની માયા
આ છે સંસારની માયા
શાકભાજી લેવા જઈએ સાંજે, ભાવ પૂછીને પાછા,
ખાલી થેલી જોઈને બોલે શ્રીમતી, કેમ આવ્યા પાછા ?
કહેવું શું મારે એને ઘરમાં, ટામેટા છે બહુ મોંઘા
બજારમાં હડતાળ પડી હોય એમ શાકભાજી મોંઘા,
નથી આપતા કોથમીર મફત, મરચાં, આદું પણ મોંઘા,
ખાવાનું શું શાક મારે, ના ભાવે એવા શાકભાજી મોંઘા,
આવું બોલીને સાંભળવાનું મારે, દુઃખના દહાડા છે સસ્તા,
નથી આવડતું શાકભાજી લેતા, મારો છો ડાફોળિયાં,
એક પછી એક સુવાક્યો સાંભળે, ના મારો ડાફોળિયાં !
શાક નહોતું ખાવું ત્યારે શું કામ મારો છો આંટા
રાહ જોઈને થાકી, થયું તમે સેવ ટામોટાના રસિયા,
સાંભળતા તો સાંભળી લીધું, બોલી ગયો ઉતાવળમાં
ઓહ.. બનાવી દીધું શાક તેં ! ટામેટા તો નહોતા,
તો કેવી રીતે બનાવ્યું શાક, સેવ બટાકાના લોચા !
ના..ના.. બનાવી દીધું શાક, બહુ કરી હતી તમે વાર,
બનાવ્યું શાક ટામેટોસોસ સેવનું, નથી થયા લોચા,
આવતી કાલથી હું જ જવાની, ખાલી હાથે નથી ફરવાની,
પડી ગઈ ફાળ મને, શાકભાજી સાથે બીજી ખરીદી થવાની !
વિજય થવાના દહાડા ગયા, દરરોજની છે ઉપાધિ,
સંસારની માયાનું બંધન, દરરોજ ખટપટ થવાની !
આવી આવી ઉપાધિ બધાને, સંસારના મધુર રસ માણો,
મૌન રહીને રહેવું નહીં, સદા હસતા હસતા સંસાર માણો.
