Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Abstract Others

4.8  

Kalpesh Patel

Abstract Others

શ્રી સત્યનારણ વ્રત કથા

શ્રી સત્યનારણ વ્રત કથા

17 mins
358


કથા પરિચય

અઢાર પુરાણોમાંથી સ્કંદપુરાણમાં રેવાખંડ અંતર્ગત 'સત્યનારાયણ વ્રતની કથા' આવેલી છે. આ કથામાં ત્રણ શબ્દો મહત્ત્વના છે. એક સત્ય, બીજો નારાયણ અને ત્રીજો વ્રત. કથાકારે ભગવાનની યોગ્ય અને સાચી વ્યાખ્યા 'સત્ય' શબ્દમાં આપી છે '' સત્ય એ જ નારાયણ'' સત્ય એટલે નીતિ- પ્રમાણિકતાભર્યો વહેવાર કે કાર્યો એ જ ભગવાન.

પ્રથમ નમું ગુરુદેવને જેથી પામ્યો જ્ઞાન. બીજે માતા સરસ્વતી, જેનું સમરું ધ્યાન. માતપિતાના પુણ્યથી ઉત્તમ પામ્યો દેહ. કથા કહું સત્યદેવની ધારી નિર્મળ નેહ 

 મૂકં કરોતી વાચાલં પ્ંગૂ લંગયેતે ગિરીમ- યદકૃપા ત્વમહં વન્દે પરમાનંદ માધવ

અધ્યાય :- (1)

એક સમયની વાત છે. નૈમીષારણ્ય તિર્થક્ષેત્રમા શૌનક વગેરે ઋષીઓ ભેગા થયા હતા. તે સમયે પુરાણો તથા મહાભારતના રચયીતા શ્રી વ્યાસ મુનીના પ્રધાન શિષ્ય સુતજી પણ ત્યા બિરાજમાન હતા. શૌનક વગેરે રૂષિઓએ શ્રી સુતજીને 

પૂછ્યુ કે હે મહામુની ! શું કોઈ વ્રત અથવા તપથી કદી મનોવાંછીત ફળ પ્રાપ્ત થઈ શકે ? અને જો તેમ થતું હોય તો , આપ તે વ્રત- અને તેની વિધિ અમને વિસ્તારથી સમજાવીને કહેવાની કૃપા કરો.

 શ્રી સુતજીએ કહ્યુ: એક વાર આવોજ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછયો હતો એનો, જે ઉત્તર ભગવાને નારદજીને આપ્યો હતો જ તે કથા હુ તમને સંભળાવુ છું.

 એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજનારદજી ફરતા ફરતા મૃત્યુલોક આવ્યા. ત્યા એમણે ઘણા લોકોને પોતપોતાના પુર્વજન્મના કર્મ અનસુાર અનેક પ્રકારના દુ:ખો ભોગવતા જોયા. "એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના દુ:ખો દૂર થઈ શકે" એવુ વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુલોકમા શ્રી વિષ્ણુભગવાન પાસે પહોચ્યા. મન-વાણીથી, આદી, મધ્ય અને અંત રહીત, અનંત શક્તિવાળા, સર્વના મૂળ કારણરૂપ નિર્ગુણ, છતા ગુણાત્મા, ભક્તોના દુ: ખો દૂર કરનાર તે દેવોના દેવને જોઈ નારદજી બોલ્યા, ' હું આપને વંદન કરુ છું. '

 શ્રી ભગવાન બોલ્યા, હે ભાગ્યશાળી તમે શા માટે આવ્યા છો? તમારા મનમાં જે કાંઈ હોય તે સઘળુ કહો, હું તમને બધુ જણાવીશ. નારદજી બોલ્યા: હે ભગવાન! પૃથ્વી પર કેટલાયે લોકો વિવિધ પ્રકારના દુ:ખોથી પીડાય છે. એ દુ:ખો દૂર કરવાનો કોઈ આપ સરળ ઉપાય જાણતા હો તો કૃપા કરી તે મને કહેવા આપને નમ્રવિનંતી કરુ છું.

 શ્રી વિષ્ણુ ભગવાને કહ્યુ હે નારદ! લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો છે. જે વ્રત કરવાથી મોહમાંથી મુક્ત થવાય તે વ્રત હું તમને કહું છું તે સાવધાન થઈ સાંભળો.

મનુષ્ય લોકમા અને સ્વર્ગલોકમાં પણ દુર્લભ તથા મહા પુણ્ય આપનારૂ એક વ્રત છે. હે વત્સ! તારા પરના પ્રેમને કારણે હું તને એ કહુ છું. એ છે સત્યનારાયણનુ વ્રત. યોગ્ય વિધિવિધાનથી વ્રત કરવાથી એ તરત જ સુખ મેળવી પરલોકમાં પણ મોક્ષ મળે છે.

ભગવાનનાં આ વાક્યો સાંભળી નારદ બોલ્યા: ' આ વ્રત કયું અને આ વ્રતનું ફળ શું? એની વિધી શી છે? એ વ્રત ક્યારે કરવું? તથા એ કોણે કર્યુ હતુ તે આપ મને વિસ્તારથી કહો. '

આ પવિત્ર વ્રત દુ:ખ શોક દૂર કરી સુખ, સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય આપી સાધકની મનોકામનાઓ પૂર્ણ કરે છે . ભક્તિ અને શ્ર્રદ્ધાથી કોઈ પણ દીવસે સાંજે બ્રાહ્મણો વડીલો,, ઈષ્ટ મીત્રો અને સગાં વહાલાં સહીત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનુ વ્રત પૂજન કરવુ જોઈએ. સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદબધાંને વહેંચવો અને પોતે લેવો પણ.

પછી આ શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ બધા લોકો કરતા કરતા પોતપોતાના ઘરે જાય, અને નિશ્ચય કરે કે સત્ય વાણી અને સત્યાચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશુ.

આ રીતે સત્યનારાયણ ભગવાનનુ વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે.

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ઇતિ પ્રથમ અધ્યાય સંપૂર્ણ:બોલો શ્રી સત્ય નારાયણ ભગવાનની જય.

 

અધ્યાય: - (2)

આ રીતે સત્યનારાયણ ભગવાનનાં વ્રત વિધાન તથા મહાત્મ્ય જણાવતા શ્રી સુતજીએ શૌનક આદી ઋષિઓને કહ્યુ. આ વ્રત સૌપ્રથમ જેણે કર્યુ તેની કથા હવે હું ક્કહી રહ્યો છું તે સાંભળો.

હે ઋષીઓ! અત્યંત રમણીય કાશી નગરીમાં શતાનંદ નામનો એકગરીબ બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજ ભીક્ષા માગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો.

એક દિવસ જેને બ્રાહ્મણ પ્રિય છે, એવા પોતે ભગવાન જ એક વૃદ્ધ બ્રાહ્મણનો વેષ ધારણ કરી એમની પાસે આવ્યા અને આદર પુર્વક કહ્યું.

" હે પ્રિય! તમે અત્યંત દીન બની રોજે રોજ શા માટે ભિક્ષા માગો છો ?"

વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમ ભરી વાણી સાંભળી તે શતાનાંદ બ્રાહ્મણે કહ્યું. " હું બહુ જ ગરીબ છુ, આથી ભિક્ષા માટે ભટકું છું. જો તમે આ કષ્ટમાથી મુક્ત થવાનો કોઈ ઉપાય જાણતા હો તો આપ કૃપા કરીને મને અવશ્ય કહો. "વૃદ્ધ બ્રાહ્મણ વેષધારી ભગવાન બોલ્યા:

" હે બ્રાહ્મણ! ઈચ્છીત ફળ આપનાર અને બધી જ મનોકામનાપૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે. તમે એનુ પૂજન અને સર્વશ્રેષ્ઠ વ્રત કરો. આ વ્રત કરવાથી મનુષ્ય જીવન મૃત્યુના અવિરત ફેરા માથી અને તેના બંધનમાથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનુ સુખ મેળવે છે. "અને ભગવાને તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધી બતાવી , પછી બ્રાહ્મણનો વેષ ધારણકરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અંતર્ ધ્યાન થઈ ગયા.

આ બ્રાહ્મણના રુપમાં ભગવન વિષ્ણુએ જે વ્રત કહ્યુ તે હું કરીશ એવો નિશ્ચય તેણે કર્યો, આથી રાત્રે તેને બરાબર ઊંઘ પણ ન આવી. બીજે દીવસે વ્રત અનેપૂજનનો સંકલ્પ કરી શતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માગવા ગયો. તે દિવસે તેને દરરોજ કરતા વધુ ધન મળ્યુ. તે ધન દ્વારા શતાનંદે ભાઈબંધુઓ સહીત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યુ.

આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા લૌકિક કે પારલૌકિક દુ:ખોથી મુક્ત થઈ ગયો તથા સંપત્તિવાન બન્યો. શ્રી સત્યનારાયણ દેવના વ્રતના પ્રભાવે શતાનંદ બ્રાહ્મણોમાં શ્રેષ્ઠબની ગયો.

ત્યારથી તે દર મહીને શ્રી સત્યનારાયણનું વ્રત કરતો. એ બધી રીતે દુ:ખોથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો. શ્રી સુતજી બોલ્યા:

 " હે ઋષીમુનીઓ! શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કંઈ કહ્યુ હતુ તે બધું જ મેં તમને કહયુ છે. બીજુ વધારે તમારે હવે શું સાંભળવું છે?"

 શૌનકાદી ઋષીઓએ સુતજી ને કહ્યુ:" હે મુનીશ્રેષ્ઠ! અમને પ્રભુ પ્રત્યે ઘેરી શ્રદ્ધા જન્મે તે હેતુથી હજુ વધુ સાંભળવાની ઈચ્છા થાય છે. તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે કોણે પૃથ્વી પર આ વ્રત કર્યુ તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ. તો કૃપા કરીને અમને કહો. " અમારી શ્રધ્ધા દ્રઢ કરો. મુનિઑ ની આજીજીથી દ્રવિત થયેલા શ્રી સુતજી બોલ્યા:

" હે ઋષીઓ! ધ્યાન થી સાંભળો ,એક સમયે તે શતાનંદ બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠીયારો એના ઘર પાસેથી નીકળ્યો. તે તરસથી પીડાતો હતો , તેણે લાકડાનો ભારો બહાર મૂક્યો અને બ્રાહ્મણના ઘરમાં ગયો. તેને વ્રત કરતા જોઈને નમન કરી કઠીયારાએ પુછ્યું:

" હે બ્રાહ્મણ શ્રેષ્ઠ ! આપ, આ શું કરી રહયા છો ? એને કરવાથી શું ફળ મળે? એ વિસ્તાર પુર્વક મને કહેવાની કૃપા કરો. "કઠીયારાની વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યુ:

" આ સૃષ્ટિના બધાં ઈચ્છીત ફળ આપનાર શ્રી સત્યનારાયણ ભગવાનનુ આ અમોઘ વ્રત છે. એની જ કૃપાથી મને ધન-ધાન્યાદી સર્વ પ્રાપ્ત થયું છે. "

તેની પાસેથીઆ વ્રતનુ મહાત્મ્ય અને વિધિ જાણી કઠીયારો ઘણો ખુશ થયો , પંચામૃત તથા પ્રસાદ લઈ પાણી પી લાકડાંનો ભારો માથે મૂકી "હું પણ આ વ્રત કરીશ" એમ વિચારી લાકડાની ફેરીએ નગરમાં નીકળી પડ્યો. તે દિવસે એના સદ્ ભાગ્યે જ્યા ધનીક લોકો રહેતા હતા ત્યા પહોચી ગયો. અને તે દીવસે કઠીયારાને એનાં લાકડાંનો રોજ કરતા બમણો ભાવ મળ્યો.

આ પછી ખુશ થઈ સારા પાકાં કેળાં, દૂધ, ઘી, ઘઉનો લોટ વગેરે લઈ ઘરે આવ્યો. આ પછી પોતાના સગાં વહાલાંને બોલાવી વિધિપુર્વક શ્રીસત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યુ. આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકનાં સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષ પદને પ્રાપ્ત થયો.

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ઇતિ દૃતીય અધ્યાય સંપૂર્ણ:બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય ||

 અધ્યાય: - (3)

શ્રી સુતજી બોલ્યા સત્યનારાયણ દેવની કૃપા અગાથ છે . . . " હે મુની ગણ ! હવે સત્યનારાયણ દેવની આગળની કથા ધ્યાન પુર્વકસાંભળો. ઘણા સમય પહેલાંની વાત છે . શ્રી ઉલ્કામુખ નામનો એક રાજા હતો ,તેણે ઈન્દ્રિય ઉપર જીત મેળવેલી હતી અને તે ઘણો બુદ્ધીમાન રાજા હતો. તે નિયમિત દેવમંદીરમા ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુકોને અચૂક દાનઆપતો.

આ રાજાની “પ્રમુગ્ધા” નામની રાણી પતિવ્રતા અને કમળસમાન સુંદર મુખવાળી હતી. શ્રી ઉલ્કામુખ રાજાએ પત્ની સહીત ભદ્રાનદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યુ. તેજ સમયે સાધુ વાણિયા નામે એક શેઠ વેપાર માટે ઘણું ધન અને વસ્ત્ર - આલંકાર વગેરે લઈ ત્યાં આવેલો હતો.

તે પોતાના વહાણને માલ સહીત કિનારા પર રાખી, રાજાની નજીક આવ્યો અને વિનયપુર્વક પૂછ્યું:" હે રાજન ! આટલી બધી ભક્તિપૂર્ણ અને ઉમંગી મનથી આપ કયું વ્રત કરી રહયા છો? આમ આવી રીતે વ્રત કરવાથી શું ફળ મળે? આપ એ બધુ મને વિગતવાર કહેવાની કૃપાકરો. "

રાજાએ કહ્યું," હે શેઠ ! અમે પુત્રની ઇચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી એવા શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત-પૂજન કરીએ છીએ. "

રાજાની આવી વાણી સાંભળી આદરપુર્વક શેઠે કહ્યું: " હે રાજન! આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપાકરો, કેમ કે મને સંતતિ પણ નથી. જો એ કરવાથી સંતતિ થતી હોય તો એ વ્રત હું જરૂર કરીશ. "

આ રીતે રાજાનાં વચનો સાંભળી સાધુ વાણિયો વેપારની ખેપમાં ઉપડી ગયો અને વેપાર ખેપથી પરવારી તે સાધુ વાણિયા શેઠે આનંદપુર્વક ઘરે આવી પોતાની પત્ની લીલાવતીને સંતતિ આપનારા વ્રત વિશે જે રાજા ના મુખથી સાંભળ્યુ હતું, તે બધુ વિગતે કહ્યું. અને સંકલ્પ ધર્યો કે સંતતિ દેનાર શ્રી સત્યનારાયણનું આ અજોડ વ્રત જ્યારે આપણને સંતતિ થશે ત્યારે હું પણ સત્યનારાયણ નું વ્રત અવશ્ય કરીશ. "

સમયાંતરે એક દિવસ તેની ધર્મપરાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્ણ મનથી પતિ સાથે યુક્ત બની. આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ. દસમા મહીને એક સુંદર કન્યાને તેણે જન્મ આપ્યો. તે કન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી. તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું. આ પછી એક દીવસે લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું, હે નાથ , ભગવાન કૃપાએ આપણે સંતાનને પામ્યા છીએ ત્યારે " આપે શ્રી સત્યનારાયણ ભગવાનનુ વ્રત કરવાનો જે સંકલ્પ કરેલો તે કેમ પુરો કરતા નથી?"

સાધુ વાણિયા શેઠે કહ્યું: હે લીલાવતી મને તે યાદ છે"અત્યારે વેપારમા તેજીને લીધે અવકાશ નથી, આપણે આપણી પુત્રીના લગ્ન સમયે તે વ્રત ભાવથી કરીશું". ત્યાર પછી ટૂંકમાં સાધુ વાણિયા શેઠે પોતાની પત્નીને આ પ્રમાણેનો દીલાસો અને ધરપત આપી, વેપાર અર્થે વિદેશ બીજા નગરમાંચાલ્યો ગયો. સમય વિતવા સાથે કલાવતી મોટી થવા લાગી. એકવાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતી જોઈ અને તે વિવાહને યોગ્ય થયેલી લાગી. આથી શેઠે પોતાના ભાઇ-ભાંડુઓની સલાહ લઇ તેણે બીજા ગામના ગોર મહારાજને આજ્ઞા આપી કે જલ્દી કલાવતીને યોગ્ય મુરતિયોશોધી લાવે.

શેઠની આજ્ઞાથી ગોર મહારાજ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાના વિચારથી કાંચન નામની નગરીમાં પહોચ્યો. એક સુંદર શરીરવાળા અને ગુણવાન વૈશ્ય પુત્ર ના કુટુંબીઓને વિવાહની વાત પાકી કરી પરત આવ્યો.

શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનો સાથે રાખી તે શાહુકારના પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી.

હવે દુર્ભાગ્યે કે, કર્મ-યોગે, પરંતુ શેઠ આ રૂડા અવસરે પણ શ્રીસત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો . આથી શ્રીસત્યનારાયણ ભગવાન નારાજ થયા. કન્યાના વિવાહ નિયત સમય બાદ હમેશ મુજબ વેપારમા પરમ ચતુર તે સાધુ વાણિયા શેઠ પોતાના જમાઈને લઇ દરિયો ખેડી સમદ્રકિનારે આવેલા સુંદર રત્નસારપુર નામના નગરમાં વેપાર કરવા પહોચી ગયો. તે નગરના રાજાનું નામ હતું ચંદ્રકેતુ. શ્રી સત્યનારાયણ દેવે હજૂ સુધી તે સાધુ વાણિયા શેઠને પ્રતિજ્ઞાભ્રષ્ટ થયેલો જોઈ શ્રી સત્ય નારાયણ ભગવાને શાપ આપ્યો કે તે સાધુ વાણિયા શેઠને જટિલ વિપદા , દારુણ અને કઠીન દુ:ખ પ્રાપ્ત થાઓ.

 હવે તે સમયે એક ચોર રત્નસારપુર નગરના રાજાના ખજાનામાંથી ધન ચોરી કરી ભાગ્યો. અને આ વેપારીઓ જ્યાં થાક ખાવા રોકાયા ત્યાં આવ્યો. ચોરે રાજાના સીપાઇઓને તેની પાછળ આવેલા જોઈ ભયને લીધે તેણે ચોરેલું ધન સાધુ વાણિયાના પડાવે નાંખી દીધુ, અને સજ્જન વણીકો વિશ્રામ કરતાં હતા ત્યાંથી ચૂપચાપ પલાયન થઈ ગયો. હવે રાજાના સીપાઇઓ આવ્યા અને રાજાનુ, ધન સાધુ વાણિયાના પડાવે જોયું , તેથી રાજાના સિપાઈઑ એ શેઠ અને જમાઈ બંનેને દોરડાંથી બાંધી ચંદ્રકેતુ રાજા પાસે લઇ આવ્યા અને કહ્યું :" હે રાજન ! અમે ચોરનું પગેરું દબાવતા ગયા હતા, અને આપનું ધન ચોરનાર આ બંને ચોરને રાજ્યના ધન સાથે તેમના પડાવેથી પકડ્યા છે ,જે આપની સમક્ષ હાજર કરેલ છે. "

શ્રી સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ સાધુ વાણિયા કે તેના જમાઈની કોઈ પણ દલીલ ધ્યાન ન ધરી ,એમનું કીધેલું પણ ન સાંભળ્યું અને બંનેને મજબુત રીતે બાંધી કારાગારમાં પુરાવી દીધા. તેમનું બધુ ધન પણ ચંદ્રકેતુ રાજાએ જપ્ત લઇ લીધું.

આ બાજુ , શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે, સાધુ વાણિયા શેઠના ઘરે એની પત્ની અને પુત્રીની હાલત પણ ઘણી ખરાબ થઇ હતી . ઘરમાં જે કાંઇ ધન-સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા.

ભૂખ તરસથી દુ:ખી થઈ તેઓ મજુરી કરવા લાગ્યાં અને ભીક્ષા માગવા ચિત્તભ્રમ થઈ ઘર ઘર ભટકવા લાગ્યાં . એક દીવસ ભૂખ-તરસથી વ્યાકુળ સાધુ વાણિયાની દીકરી કલાવતી એક બ્રાહ્મણના ઘરે ભિખ માંગવા ગઇ. ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનુ વ્રત-પૂજન જોયું. શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી, પ્રસાદ લઇ મોડી રાતે કલાવતી ઘરે પહોચી ત્યારે . માતાએ કલાવતીને પ્રેમથી પુછ્યું:" હે પુત્રી! આટલું મોડુ કેમ થયું આજે , આટલી મોડી રાત વીતવા સુધી તું ક્યાં હતી દીકરી ?, આપણી આબરૂનો ખ્યાલ રાખ, આવું મન માન્યું કેમ કરે છે ?"

સુશિલ કલાવતીએ શાંત સ્વરે કહ્યુ: " મા હું એક, બ્રાહ્મણના ઘેર રોકાઈ હતી. તેઓના ઘરે મેં માનવાંછિત ફળ મળે તેવું વ્રત-પૂજન થતાં જોયુ, જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારુ અને દુખોના નાશ કરનારું છે . " તેમ તેઓ કહેતા હતા એટલે હું તે વ્રતમાં જોડાઈ હતી અને મોડુ થયું છે.

 દીકરી કલાવતીનાં મુખે વ્રત અંગેના વચન સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઇ આવ્યુ ,તેણે તેના પતિ દ્વારા આ ભુલાયેલા વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગા વહાલા સાથે યથા શક્તિ વ્રત પૂર્ણ કર્યુ. લીલાવતીએ ભગવાનને વારંવાર વિનંતિ કરી પ્રાર્થના કરી:

" હે પ્રભુ! મારા પતિ અને જમાઇને જલદી ઘરે મોકલો. તેઓના કરેલા અપરાધ ક્ષમા કરવામાં સમર્થ આપ જ છો. "

સાધુ વાણિયા પત્ની લીલાવતીના કરેલા વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તે જ રાત્રે સ્વપ્નમાં આદેશ આપ્યો અને કહ્યું :" હે ચંદ્રકેતુ રાજન! તે પકડેલા પેલા બન્ને બંદીવાન નિર્દોષ છે, તે વણીકોને જેલમાંથી મુક્ત કરી જે કાંઇ ધન તેમનુ , તે લઇ લીધું છે તે પરત પાછુ આપી માન ભેર છોડી દે. જો તું મારો આદેશ માનીને ચેતીશ નહી તો,  તારા ધન, અને પુત્ર સહીત સમગ્ર રાજ્યનો હું નાશ કરીશ. "

આમ કહીને ભગવાન અદ્રશ્ય થયા. સવાર થતા જ રાજા ચદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પુરેલા પેલા બંને વણીક મહાજનને પોતાની સમક્ષ દરબાર માં મુક્ત કરી લાવવામાં આવે.

રાજાનાં આ વચનો સાંભળી મંત્રી તથા સેવક ગણે બંને મહાજનોને વિનયપૂર્વક મુક્ત કરી રાજા ચંદ્રકેતુ ની સમક્ષ દરબારમાં હાજર કર્યા . '

બંનેએ રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા. તેઓ પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી, જેલમાં પડેલી વિપદાને લઈ બંને જણા ભય વિવહ્વળ બની મૌન રહ્યા, ત્યારે રાજાએ કહ્યું " તમને આ દારુણ દુ:ખ દૈવના પ્રકોપને લઈને ભોગવવું પડ્યું હતું.  હવે તમારે કોઈ પણ ભય રાખવાનું કારણ નથી. " તમે મુક્ત છો,

બંને ને હજામત તથા સ્નાનાદી કરાવી, વસ્ત્રાલંકાર આપી, એમની પાસેથી લઈ લીધેલા ધનથી બેવડુ ધન આપી રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યુ: " હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ. "રાજાને પ્રણામ કરી 'આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈશું' કહી તે દિવસે સાધુ વાણિયો અને તેનો જમાઈ, બંનેએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યુ.

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ઇતિ તૃતીય અધ્યાય સંપૂર્ણ; બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનની જય.

અધ્યાય :- (4)

શ્રી સુતજી બોલ્યા: હે મુનિ ગણ હવે આગળ ની કથા સાવધાન થઈ સાંભળશો

" યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે ચંદ્રકેતુ રાજાના નગરેથી સ્વસ્તિ વાચન  કરાવી અને બ્રાહ્મણોને દાન આપી પોતાના નગર તરફ પ્રયાણ કર્યુ. આ શેઠ અને જમાઈ નગરથી દૂર બીજા નગરના કિનારે વિરામ લેતા હતા ત્યારે ,તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સંન્યાસીના વેષમાં તેમની પાસે આવ્યાઅને બોલ્યા :" હે શેઠ! તમારી આ હોડીમાં શું ભર્યુ છે?"

આ શેઠ અને તેના જમાઈ તેઓ ને સહજ સાંપડેલા ધનથી છકેલા હતા અને તે બંને મહાજનોએ હસીને કહ્યું: " હે ,મહારાજ ! તમે કેમ પૂછો છો? તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો ? અમારી હોડીમાં તો વેલા-પાંદડાં ભરેલા છે. "

શ્રી સત્યદેવ ભગવાને આ વેપારીઓની કડવી અને મિથ્યા વાણીસાંભળી કહયુ: " સારુ ભાઇ, તમારી વાત સાચી પડો. " એમ વિધાન કરી સાધુના વેષમાં આવેલા શ્રી સત્યનારાયણ ભગવાન તરત જ  અંતર્ધ્યાન થઈ ગયા .

થોડી વાર પછી કિનારે મળેલા સન્યાસીના ગયા પછી શેઠ નિત્ય કર્મથી પરવારી જ્યારે હોડીપર ગયો ત્યારે હોડીને પાણીથી ઉપર હલકી તરતી જોઇ ગુચવણમાં પડી ગયો. તે હોડીના ભંડકિયામાં ગયો , ત્યાં તેણે હોડીમાં વેલા-પાંદડાં જોયાં અને મૂર્છિત થઇ હોડીના ભંડકિયામાં જ ઢળીપડ્યો. શેઠની દશા જોઈ એના જમાઇએ કહ્યું:" હે પિતા! આપ ચિંતા શા માટે કરો છો? શોકથી વ્યાકુળ શા માટે થઇ રહ્યા છો? જરૂર એ પેલા સાધુ મહારાજના શાપને લીધે થઇ રહ્યું છે, એમાં શંકા નથી. ચાલો આપણે એના શરણે જઈએ . એ મહારાજ સર્વ શક્તિમાન લાગે છે અને કાંઇ પણ કરી શકે છે. " તે આપણને નિરાશ નહીં કરે , આપણે માફી માગીશું. જમાઈનાં આ વચન સાંભળી તેઓ બંને સાધુરૂપી ભગવાનનુ મનમાં ધ્યાન ધરી તેઓના પગે પડી આદર સહીત વિનંતિ કરવા લાગ્યા:

" હે ભગવાન! અમો આપની સમક્ષ જે ખોટું બોલ્યા હતા , તે અમારો અપરાધ છે, અમને ક્ષમા કરો. " આમ વારંવાર કહી ખુબ શોક કરવા લાગ્યા . રડતા વેપારીઓને જોઇ સાધુ વેષધારી અંતર્ધ્યાન થયેલા ભગવાને પ્રગટ થઈ કહ્યું:

" હે ભક્તો ! વિલાપ ન કરો . મારી વાત સાંભળો. હે શેઠ, તેં મારા વ્રતની માનતા રાખી હોવા છતા  મારી પૂજા કરી નહી. ઉપરથી મિથ્યા વચનો બોલ્યો. આવી દુર્બુદ્ધિ થીજ ! તને અને તારાં જમાઈને વારંવાર દુ: ખ સહન કરવાં પડ્યાં. "

શ્રી સત્યદેવની વાત સાંભળી શેઠ તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો:

" હે પ્રભુ! સર્વ બ્રહ્માદી, અને દેવતા ગણ પણ આપની માયાથી મોહિત છે, અને આપના આ આશ્ચર્યજનક ગુણ અને રૂપને નથી જાણતા. તમારી માયાથી મોહીત હું , આપણે શી રીતે જાણી શકું? વહાણમાં પહેલાં મારુ જે ધન હતુ તે મને પાછુ આપો. હું મારા વૈભવ અનુસાર આપનુ પૂજન જરૂર કરીશ. શેઠના ભક્તિ વચનો સાંભળી સ્વામી શ્રી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા. ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. શેઠે હોડીના ભંડકીયામાં આવીને જોયું તો તે પહેલાની જેમ ધન-ધાન્યથી તે પૂર્ણ હતું .

'સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ' એમ કહી શ્રીસત્યનારાયણ ભગવાનની પૂજા ત્યાં કરી. ત્યાર બાદ શેઠે અને જમાઈએ પોતાના ઘર તરફ પ્રયાણકર્યુ. દૂર દરિયામાથી નગર દેખાતાં જ શેઠે પોતાના જમાઈને કહ્યું, ' જુઓ આપણું રત્નપુરી. નગર ' અને પોતાના ધનનું રક્ષણ કરનાર એક દૂતને પોતાને ઘેર સમાચાર આપવા નાના હોડકામાં રવાના કર્યો. દૂતે નગરમાં પહોચી શેઠની પત્નીને હાથ જોડી શુભ સમાચાર આપતા કહ્યું. શેઠ પોતાના જમાઈ, અને સેવકો સાથે પુષ્કળ ધન સાથે નગરની નજીક આવી પહોચ્યા છે, તેઓ શીઘ્ર નગરમાં પધારશે . દૂતનો સંદેશો સાંભળી લીલાવતી બહુ જ થઇ ખુશ, અને ભગવાન શ્રી સત્યનારાયણની પૂજા કરી પ્રસાદ લઈ પુત્રીને કહ્યુ કે હું જઇને એ લોકોનું સ્વાગત કરૂ છુ અને તું પણ (પૂજા પૂરી કરીને) જલ્દી આવ. કલાવતીએ માતાનાં વચનો સાંભળી (પ્રસન્ન થઇ) ઉથાપન પૂજા પૂરી કરી,પરંતુ ઉત્સાહના આવેગમાં તે પ્રસાદ લીધા વિના પોતાના પતિને મળવા હેતુ થી તે સત્વરે નગરને કિનારે દોડી ગઇ.

પ્રસાદનો અનાદર કરવાથી ભગવાન સત્યદેવ કલાવતીથી નારાજ થયા અને તેઓએ કલાવતીના પતિને એની હોડી સહીત અદ્રશ્ય કરી દીધો.

કલાવતીએ તેના પતિ અને હોડીને ન જોતા તરત જ શોકથી વ્યાકુળ થઇ કિનારે જમીન ઉપર ઢળી પડી.

આમ કન્યા કલાવતીને બહુ જ દુ:ખી અને જમાઈને હોડી સહિત અદ્રશ્ય થયેલ જોઈ શેઠે મનમાં વિચાર્યુ ' આ તે કેવું આશ્ચર્ય?' હોડી ચલાવનાર નાવિકો પણ હવે ચિંતાતુર થયા. પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી પણ ખુબ ગભરાઈ ગઈ અને તે અતિ દુ:ખથી વિલાપ કરવા લાગી. ' જરા વારમાં જમાઈ સાથે હોડી આખી શી રીતે અદૃશ્ય થઈ ગઈ? કોણજાણે કયા દેવની અવગણના થઈ? હું કશુ જાણી શકતી નથી. સત્યદેવનું મહાત્મ્ય જાણવા કોણ શક્તીમાન છે?' આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વીલાપ કરવા લાગી.

પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુ: ખી થયેલી કલાવતીને તે પછી લીલાવતીએ ખોળામાં બેસાડી ખૂબ રુદન કર્યુ. કલાવતી તેના પતિની ચરણ પાદુકા લઈ પતિની પાછળ સતિ થવા તૈયાર થઈ ત્યારે સૌ કોઈ ગમગીન બની ગયા.

કન્યાની આ દશા જોઈ અતિ શોકથી, સંતપ્ત તે ધર્મવિદ્ સજ્જન સાધુ વણીક શેઠ પોતાની પત્ની સહીત વિચારવા લાગ્યો. " આ ઘટના કયા દેવતાના કોપને લીધે બની હશે ? ભગવાન સત્યદેવની માયાથી આપણે ભ્રમણામાં પડ્યાં છીએ. " એમ માની શેઠે પોતાનાંસગાં વહાલાંને બોલાવી સંકલ્પ કર્યો, ' આ ઘોર સંકટ દૂર થતા જ હું ભગવાન સત્યનારાયણની ભાવ પૂર્વક પૂજા કરીશ. ' અને નમીને શ્રીસત્યદેવને વારંવાર માનસિક દંડવત્ પ્રણામ કરવા લાગ્યો.

આથી દીન જનોના ઉદ્ધારક ભક્ત વત્સલ શ્રી સત્યદેવે સંતુષ્ટ થઈ કૃપા વરસાવતા આકાશવાણી થી કહ્યું, ' કલાવતી એ પ્રસાદનો ત્યાગ કરી આ તારી દીકરી તેના પતિને જોવા દોડી આવી તેથી તે તેના પતિ અને તેની સંપતિ ને રૂબરૂ જોઇશકતી નથી. " જો એ ઘરે જઈ પ્રસાદ આરોગી પાછી આવશે તો તરત જ એનો પતિ પ્રાપ્ત થશે, તે મારૂ વિધાન છે , હે શેઠ એમાં તું સંશય રાખીશ નહીં અને સત્વરે દીકરીને પ્રસાદ ગ્રહણ કરવા ઘેર મોકલ .

કલાવતીએ પણ જ્યારે આ આકાશવાણી સાંભળી કે તરત જ ઘરે જઇ ભાવ સહિત પ્રસાદ લીધો, અને ફરીથી જ્યારે આવી ત્યારે એનો પતિ અંતર્ધ્યાન થયો હતો તે આવી ગયો હતો . પોતાના પતિને સામે જોઇ સંતુષ્ટ થઈ પિતાને કહ્યું, " ચાલો બાપુ આપણે હવે ઘરે જઈએ વિલંબ, શા માટે કરો છો?'

કલાવતીની વાત સાંભળી શેઠ પ્રસન્ન થય ભાઇ-ભાંડુઓને તેડાવી પોતાના ઘરે જમાઈ સહિત આવ્યા . અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજનકર્યુ. પછી પણ શેઠ દર મહીનાની પૂર્ણીમા તથા સંક્રાંતિના દિવસે નિયમ પુર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવા લાગ્યાં. આમ આ વ્રતના પ્રતાપથી શેઠ દુનિયાના સઘળાં સુખ ભોગવી અંતે વૈકુંઠધામમાં પહોચ્યો.

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ઇતિ ચતુર્થ અધ્યાય સંપૂર્ણ:બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય ||

 અધ્યાય :- (5)

શ્રી સુતજીએ કહ્યું. હે મુનિવરો " આ પણ પછીનું ચરિત્ર ધ્યાન પુર્વક સાંભળો. પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે રાજા હતો. તેણે શ્રીસત્યદેવ ભગવાનનો પ્રસાદ તરછોડી ઘણું દુ:ખ મેળવ્યું. એક વાર રાજા તુંગધ્વજ અનેક પશુપંખી મારી પાછા ફરતા વન માં આવેલા એકવડના ઝાડ નીચે આરામ કરવા બેઠો. તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઇ-ભાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા. અભિમાનના કારણે રાજા ન તો ત્યાં ગયા ન તો તેણે ભગવાનને હાથ જોડ્યા.

પૂજા બાદ ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો, પરંતુ રાજાએ તે પ્રસાદ પણ ન લીધો. પ્રસાદની અવજ્ઞાને લીધે રાજાના સો પુત્રો, ધનસંપતિવગેરે જે કંઇ હતું તે બધું નાશ પામ્યું.

આ રીતે ભયંકર દુ: ખો પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આમ અચાનક દુઃખો પડવાનું કારણ વિચાર્યુ અને એવા તારણ ઉપર આવ્યો કે નક્કી ," શ્રી સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે. આથી જ્યાં પેલા ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં મારે જવું જોઇયે"

આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પેલા ગોવાળો પાસે ગયો. તે લોકો સાથે મળી ઘણી ભક્તી અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યુ પ્રસાદ લીધો. આથી શ્રી સત્યદેવની કૃપાથીફરીથી ધન-ધાન્ય, પુત્ર-પૌત્રાદીથી સંપન્ન થઇ ગયો, અને આલોકનાં બધાં સુખ ભોગવી અંતે વૈકુંઠવાસી થયો. પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી સાધક ધનધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરેછે.

દરીદ્ર હોય તે ધનવાન બને છે, કોઇ જાતના બંધનમાં હોય તેનાથી મુક્ત થાય છે. ભયભિત મનુષ્ય ભયમુક્ત બને છે, એમાં લેશ માત્ર શંકા નથી. આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મન-પસંદફળ ભોગવી અંતમાં મોક્ષપદ પ્રાપ્ત કરેછે.

હે મહર્ષિ! હે બ્રાહ્મણો! આપ સહુના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનુ વર્ણન કર્યુ છે. આ ઘોર કળીયગુ માં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધાજ દુ:ખોનુ નિવારણ કરી શકે છે. હે શ્રેષ્ઠ મુનિઓ! જે આ કથા વાંચે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધાં પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે.

હે મુનિશ્વરો! જે લોકોએ પહેલાં વ્રત કર્યું હતું તેમના બીજા જન્મની કથા પણ સાંભળો: ~ ~

કાશી નગરનો પેલો શતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા હતો. ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તેને પરમ પદ પ્રાપ્ત થયું.

લાકડાં વેચનાર પેલો કઠીયારો કેવટ થયો, જેણે પોતાના હાથે ભગવાન રામચંદ્રનાં ચરણો ધોયાં અને તેમની સેવા કરી જન્મ-મરણનાં બંધનોથી મુક્ત થઇ ગયો.

ઉલ્કામુખ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો. તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મેળવ્યું.

પેલો વેપારી શેઠ બની બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો. પોતાના પુત્રનું અડધું શરીર કરવત વડે કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા. મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યા. તેમણે ભગવત્ સંબંધી કથાઓ દ્વારા સહુને ભગવાનના ભક્ત બનાવ્યા.

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . ઇતિ પંચમ અધ્યાય સંપૂર્ણ:બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય.

ઇતિ સંપૂર્ણ સત્યનારાયણ કથા

 

 પ્રસાદ થાળ

જમો થાળ જીવન જાઉં વારી, ધોવું કર-ચરણ સત્ય નાથ તારા (ટેક)

બેસો મેલ્યા બાજોઠિયા ઢાળી, કટોરા કંચનની થાળી; જળે ભર્યા ચંબુ ચોખાળી. . . જમો થાળ ૧

કરી કાઠા ઘઉંનો શીરો ઉમેરી ઘૃત સાકર એલચી ;પૂરી પોચી થઈ છે ઘીમાં ચઢી. . . જમો થાળ ૨

અથાણાં શાક સુંદર ભાજી, બનાવી છે ચૂંટીને તાજી; દહીં કેરું રાયતું સંગ ભજીયા ગરમ અર્પૂ, જમો થાળ ૩

પાપડ- કચુંબર સજાવ્યા હેતે મારા નાથ :ભાત લવિંગ ઘી સભર દાળ પીરસી મે રસદાર, . . . જમો થાળ ૪

(માનસી આગ્રહ કરી જમવા કહેવું )

ચળું કરો લાવું જળઝારી, એલાયચી લવિંગ સોપારી;અર્પૂ પાનના બીડાં કેસર છાંટી. . . જમો થાળ ૫

મુખવાસ મનગમતાં લઈને, પ્રસાદીનો થાળ મુને દઈને આપજો આશિષ હજાર ;

----------- કહે રાજી થઈને. . . જમો થાળ ૬

આરતી

જય લક્ષ્મી રમણા, સ્વામી જય લક્ષ્મી રમણા. સત્યનારાયણ સ્વામી, જન-પાતક-હરણા જય લક્ષ્મી. . .

રત્ન જડિત સિંહાસન, અદ્ભુત છવિ રાજે. નારદ કરત નીરાજન, ઘંટા વન બાજે જય લક્ષ્મી. . .

પ્રકટ ભએ કલિકારન, દ્વિજ કો દરસ દિયો. બૂઢો બ્રાહ્મણ બનકર, કંચન મહલ કિયો જય લક્ષ્મી. . .

દુર્બલ ભીલ કઠારો, જિન પર કૃપા કરી. ચંદ્રચૂડ ઇક રાજા, તિનકી વિપતિ હરી જય લક્ષ્મી. . .

વૈશ્ય મનોરથ પાયો, શ્રદ્ધા તજ દીન્હી. સો ફલ ભોગ્યો પ્રભુજી, ફિર સ્તુતિ કિન્હીં જય લક્ષ્મી. . .

ભાવ-ભક્તિ કે કારણ, છિન-છિન રૂપ ધર્‌યો. શ્રદ્ધા ધારણ કિન્હી, તિનકો કાજ સરો જય લક્ષ્મી. . .

ગ્વાલ-બાલ સંગ રાજા, બન મેં ભક્તિ કરી. મનવાંછિત ફલ દીન્હો, દીન દયાલુ હરિ જય લક્ષ્મી. . .

ચઢત પ્રસાદ સવાયો, કદલી ફલ મેવા. ધૂપ-દીપ-તુલસી સે, રાજી સત્યદેવા જય લક્ષ્મી. . .

 સત્યનારાયણજી કી આરતી જો કોઈ નર ગાવે. ઋષિ-સિદ્ધ સુખ-સંપત્તિ સહજ રૂપ પાવે જય લક્ષ્મી. . .

કપૂર આરતી 

कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारम्।

सदा बसन्तं हृदयारबिन्दे भबं भवानीसहितं नमामि।।

મંત્ર અર્થ

 કપૂર સમાન ગોરા વર્ણવાળા, કરૂણાના સાક્ષાત અવતાર છે. સમસ્ત સૃષ્ટિના જે સાર છે, જે સાંપને ગળામાં હાર તરીકે ગ્રહણ કરે છે.

 જે શિવ પાર્વતી સાથે સદા મારા હૃદયમાં નિવાસ કરે છે તેને હું નમન કરું છું.

ક્ષમાપના

ન આહવન હું જાણું છું, અજ્ઞાની છું હું પામર , જાણું નહીં પૂંજન વિધાન હે દેવ , બધું મુજને ક્ષમા કરજો, મોટું મન રાખી અત્રે . .

વિદાય

ફરી ફરી તમારી સેવાની વૃત્તિ થાય અને સંકટ મોચન બની રહેજો આ ઘરના એવા વિનમ્ર ભાવે સત સત વંદન.


Rate this content
Log in

Similar gujarati story from Abstract