નિર્દોષ તું પણ નથી, નિર્દોષ હું પણ નથી !
નિર્દોષ તું પણ નથી, નિર્દોષ હું પણ નથી !
સુવર્ણા આજે સવારથી જ ખૂબ ખુશ હતી, અને કેમ ન હોય ? વિરેન્દ્ર સાથે તેના લગ્નજીવનને આજે એક વર્ષ પૂર્ણ થયું હતું. આ એક વર્ષ તેના આયુષ્યનું સૌથી સોનેરી વર્ષ હતું અને તેથી જ સ્તો વિરેન્દ્ર આ વર્ષે તેમના લગ્નની વર્ષગાંઠને ખૂબ જ ધૂમધામથી ઊજવવાની યોજના બનાવી રહ્યો હતો. મહિનાઓ અગાઉથી આ માટેની તૈયારીઓ વિરેન્દ્રએ શરૂ કરી દીધી હતી. વિરેન્દ્ર અને સુવર્ણાએ તેમના નવા થતા જુના તમામ મિત્રોને શોધી શોધીને પાર્ટીમાં આવવા માટેના નિમંત્રણ મોકલ્યા હતાં. તેમના લગ્નમાં જે સ્નેહીજનો આવી શક્યા નહોતા તેઓને આ પ્રસંગે ખાસ ઊપસ્થિત રહેવાનું ભાવભીનું આમંત્રણ આપ્યું હતું. પૂર્વે જેઓને તેમના લગ્ન પ્રસંગમાં આમંત્રણ આપવાનું વિસરાઈ ગયું હતું તેઓને યાદ કરી કરીને આમંત્રણ પાઠવ્યું હતું. આટલેથી ન અટકતા તેઓએ પોતાની ભૂલની માફી માંગી આ પ્રસંગે ઉપસ્થિત રહેવાની વિનંતી કરી હતી. તેઓને રિસામણા ભૂલી પ્રસંગમાં હાજર રહેવા માટે મનાવી લેવામાં આવ્યા હતાં. આમ કોઈકને સમજાવીને, કોઈકને મનાવીને અને જરૂર પડી ત્યાં પ્રેમથી ધમકાવીને પ્રસંગમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ આપ્યું હતું. ટૂંકમાં આજે સાંજે ખૂબજ મજા આવવાની હતી. અંતે જે સમયની તેઓ કાગડોળે રાહ જોઈ રહ્યા હતાં તે સમય આવી ગયો. એ સમય હતો “લગ્નની વર્ષગાંઠની ઉજવણીનો”.
સાંજે પાર્ટીનો સમય થતાં આખો હોલ મહેમાનોથી ભરાઈ ગયો. ઝગમગ પ્રકાશ વચ્ચે સર્વત્ર આનંદ ઉલ્લાસ હતો. સહુ કોઈના ચહેરા પર ખુશી છલકાતી હતી. વિરેન્દ્રનો ભરૂચમાં રહેતો એક જુનો મિત્ર અભિષેક પણ પાર્ટીમાં આવ્યો. અભિષેક જયારે આવ્યો ત્યારે વિરેન્દ્રનું ધ્યાન બીજે હતું. અભિષેકે હળવેકથી એના ખભા પર હાથ મુક્યો વિરેન્દ્રએ વળીને જોયું. પોતાના મિત્ર અભિષેકને આમ સામે ઊભેલો જોઈ વીરેન્દ્રના આંનદનો પાર ન રહ્યો. વિરેન્દ્રએ અભિષેકને ઠપકો આપતા કહ્યું “કેમ લગ્નમાં નહોતો આવ્યો ?’.
અભિષેકે મુસ્કુરાઈને કહ્યું, “દોસ્ત તારા લગ્ન સમયે હું વિદેશ પ્રવાસમાં હતો તેથી અવાયું નહીં. પરંતુ તું પણ ક્યાં હવે વર્ષો જૂની વાતો લઈને બેઠો છે. મને ભાભી સાથે તો મળાવ ! તારા લગ્નમાં આવી શક્યો નહીં એટલે મેં તેમને ક્યારે જોયા જ નથી. ખાસ તો હું મારી ભાભીને જોવા અને મળવા આવ્યો છું. ચાલ, તેમની સાથે મારી ઓળખાણ કરાવ.”
સુવર્ણા તેની બહેનપણીઓ સાથે હસી હસીને વાતો કરવામાં મશગુલ હતી.
“એય સુવર્ણા.” વીરેન્દ્રએ હળવેકથી સાદ પાડી.
સુવર્ણાએ અવાજની દિશા તરફ જોયું તો વીરેન્દ્ર તેને બોલાવી રહ્યો હતો.
બહેનપણીઓને “એક મિનિટ તેઓ મને બોલાવે છે.” એમ કહી સુવર્ણા વીરેન્દ્ર પાસે જવા લાગી.
આ સાંભળી તેની બહેનપણીઓ હસી પડી. “હા. હા. હવે તું અમારી સાથે કેમ ઊભી રહીશ.”
સુવર્ણાએ તેમની વાતો તરફ ધ્યાન આપ્યું નહીં અને વીરેન્દ્ર પાસે ગઈ.
વિરેન્દ્રએ કહ્યું “સુવર્ણા, આને મળ. આ મારો જીગરી મિત્ર અભિષેક છે. તું આજે એને પહેલી વાર મળીશ, પણ એ મારો જુનો મિત્ર છે. બહારગામ રહેતો હોવાથી હવે અમે એકબીજાને મળી શકતા નથી.”
સુવર્ણાએ અભિષેક તરફ જોયું અને જાણે એનો શ્વાસ થંભી ગયો ! તેનું હ્રદય એકપળ માટે ધબકવાનું ચૂકી ગયું. જુના કોલેજના અભિષેક સાથે વિતાવેલા એ દિવસો એની નજર સમક્ષ આવી ગયા. કોલેજના અભ્યાસ દરમ્યાન કરેલી ભૂલ આટલા વર્ષો પછી આમ અચાનક એની સામે આવશે એ સુવર્ણાની કલ્પના બહાર હતું. અભિષેકે સુવર્ણા તરફ જોઈ ફિક્કું હાસ્ય કર્યું. તેના એ હાસ્યમાં સુવર્ણાને કપટ દેખાયું. સુવર્ણાએ મનોમન વિચાર કર્યો “હે ભગવાન ! આમ અચાનક એની ખુશહાલ જિંદગીને કોની નજર લાગી ગઈ ?” સુવર્ણાનો સઘળો આનંદ અને ખુશી એક ક્ષણમાં ઓસરી ગયા. હવે ખુશીની જગ્યાએ તેના મનમાં ચિંતા અને ડરનો પ્રવેશ થયો.
“અભિષેક કોલેજકાળના તેમના બંનેના પ્રેમપ્રકરણની વાત વિરેન્દ્રને તો નહીં કરે ને ?”
સુવર્ણા ચિંતામાં ડૂબી ગઈ. વિરેન્દ્ર અભિષેકને લઈને વાતો કરતો કરતો ત્યાંથી નીકળી ગયો અને સુવર્ણાના ચિંતાતુર મનમાં વિચારોનો પ્રવાહ શરૂ થઈ ગયો, "અભિષેક વિરેન્દ્રને એમના જુના સબંધ વિષે કહી દેશે તો ?” સુવર્ણાને હવે પાર્ટીમાં કોઈ રસ રહ્યો નહીં, એની નજર ફક્ત અને ફક્ત અભિષેક અને વિરેન્દ્ર પર ચોંટેલી રહી. અચાનક અભિષેક વિરેન્દ્રને ખભેથી પકડી હોલના એક ખૂણે લઈ ગયો. સુવર્ણા એ બંનેની વાતચીતને રોકવા એમના તરફ આગળ વધી જ રહી હતી ત્યાંજ પાર્ટીમાં આવેલી સુવર્ણાની બાળપણની સહેલી રોમાએ એને રસ્તામાં રોકી લીધી અને અલકમલકની જૂની વાતો કરવા લાગી, સુવર્ણાનું ધ્યાન રોમાની વાતોમાં બિલકુલ નહોતું. તેની નજર વારેઘડીએ અભિષેક અને વિરેન્દ્ર તરફ જતી હતી. અભિષેક વિરેન્દ્રને કશુંક કહી રહ્યો હતો જે સાંભળી વિરેન્દ્રનાં ચહેરાની રેખાઓ તંગ બની રહી હતી... વચ્ચે વચ્ચે તેઓ બંને સુવર્ણા તરફ ત્રાંસી નજરે જોઈ લેતા હતાં. તેમના આવા વર્તાવથી સુવર્ણા એકદમ બેચેન થઈ ગઈ. પરિસ્થિતિ વણસે એ પહેલા તે રોમાને “એક મિનિટ ” એમ કહી અભિષેક સાથે વિરેન્દ્રને વાતો કરતો રોકવા નીકળી ગઈ.
ગભરાયેલા સ્વરે સુવર્ણાએ વિરેન્દ્રને પૂછ્યું "સાંભળો છો ?"
પરંતુ વિરેન્દ્રના કહેલા એ શબ્દોએ એના અરમાનોને એના તાર તાર કરી દીધા "સુવર્ણા જે કાંઈ પણ હોય તે પાર્ટી પછી. મારે હમણાં તમાશો નથી કરવો. સમાજમાં મારી પણ કોઈ ઈજ્જત છે. થોડું ભાન રાખ. જે થયું એ થયું... હવે એની વાતો હમણાં કરી આપણે માહોલ તંગ ન કરીએ એમાં જ આપણા બંનેનું હિત છે ! સમજી ?” આમ બોલી વિરેન્દ્રએ અભિષેકને લઈને જમવાના કાઉન્ટર તરફ પગ ઉપાડ્યા. વિરેન્દ્ર ત્યાંથી નીકળી ગયો પરંતુ સુવર્ણા હવે બરાબરની મૂંઝાણી ! એ દિવસે પાર્ટી પૂરી થવાની સાથે જ સુવર્ણાની તકલીફોની શરૂઆત થઈ. પાર્ટી જાણે સુખના અંતિમ દિવસોની પ્રતિક બની ગઈ. એ રાત્રે બંને એક બીજા સાથે કશું બોલ્યા નહીં. એમના એક વર્ષનાં લગ્ન જીવનમાં આવું પહેલીવાર બન્યું હતું. વિરેન્દ્ર વિચારોમાં ગરકાવ દેખાતો હતો. તે પાર્ટી પછી ઘણો દુ:ખી દેખાતો હતો કાંઈ પણ બોલ્યા વગર તે ચુપચાપ સૂઈ ગયો. સવારના નાસ્તાના ટેબલ પર પણ વિરેન્દ્રની ખામોશી સુવર્ણાને કોરી ખાતી હતી ! એક પણ શબ્દ બોલ્યા વગર વિરેન્દ્ર નાસ્તો પતાવી ઓફિસમાં રોજ કરતા વહેલો જતો રહ્યો.
એ આખો દિવસ સુવર્ણા વિચારોમાં ડૂબેલી રહી, મૂંઝવણમાં રહી ! છેવટે એણે નક્કી કરી લીધું કે આજે સાંજે વિરેન્દ્ર આવે ત્યારે તેને કહી દેવું કે “અભિષેક લુચ્ચો છે, એને આદત છે આમ લોકોનાં લગ્નજીવનમાં ભંગાણ પાડવાની, એ કોલેજમાં સાથે હતો એ વાત સાચી, પણ એ એને ત્યારે બિલકુલ ઓળખતી પણ નહોતી ! ખોટું લાગતું હોય તો રોમાને પૂછી લો. એ અભિષેકને સારી રીતે ઓળખે છે. પણ વિરેન્દ્ર એની વાત પર વિશ્વાસ કરશે ? કદાચ નહીં માને તો રોમાને કહી દઈશ કે એ વિરેન્દ્રને સમજાવી દે. એમ પણ એ રોમાને ક્યાં ઓળખે છે ? એમને શું ખબર કે એ મારી કોલેજમાં હતી કે બીજી કોલેજમાં. હવે જે થશે તે જોઈ લેવાશે. આજ યુક્તિ બરોબર છે.” આમ વિચારી સુવર્ણા હવે વિરેન્દ્રનો ઈન્તેજાર કરવા લાગી. એક એક પળ એને એક એક યુગ જેવી લાગતી હતી. એ વહેલામાં વહેલી તકે વિરેન્દ્રને મનાવી લેવા માંગતી હતી કારણ એ જાણતી હતી કે શંકાને જો વહેલામાં વહેલી તકે ડામવામાં ન આવે તો શંકા જીવનમાં ડામ આપે છે. તેથી સાંજે જયારે વિરેન્દ્ર ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે સુવર્ણાએ હિમ્મત કરી કહી નાખ્યું "કાલે પાર્ટીમાં....”
હજી સુવર્ણા આગળ કંઈ પણ કહે તે પહેલા જ વિરેન્દ્ર વચ્ચે જ તેની વાત કાપતા બોલ્યો "જો સુવર્ણા, કાલે અભિષેકે મને આજ વાતની ચેતવણી આપેલી કે પાર્ટીમાં પેલી લુચ્ચી રોમા પણ આવેલી છે ! સુવર્ણા તને ખબર છે ? એને આદત છે લોકોના લગ્નજીવનમાં ભંગાણ પાડવાની, એ કોલેજમાં સાથે હતી એ વાત સાચી, પણ એ રોમાને હું ત્યારે બિલકુલ પણ ઓળખતો નહોતો ! ખોટું લાગતું હોય તો અભિષેકને પૂછી લે. એ મારી જ કોલેજમાં ભણતો હતો. તેથી એ રોમાની આ ખરાબ આદતને સારી પેઠે જાણે છે. સુવર્ણાને એના કાન પર બિલકુલ વિશ્વાસ જ ના થયો, મનોમન તે ભગવાનને લાખલાખ ધન્યવાદ કહી વિરેન્દ્રને ભેટી પડી. વિરેન્દ્ર અવાકપણે વિચારવા લાગ્યો કે "કેટલી સરળતાથી સુવર્ણા માની ગઈ ! અને એ ખોટો કાલથી ચિંતામાં અટવાયેલો હતો !

