Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Amrut Patel 'svyambhu'

Tragedy Crime Thriller

4.8  

Amrut Patel 'svyambhu'

Tragedy Crime Thriller

કુંમ્ભિલ

કુંમ્ભિલ

8 mins
470


  દીકરી આગ્રહ કરી ને રઘુવીરને પણ સાથે જ લઈ આવી. થોડી આનાકાની બાદ તે પણ દીકરીને ઘેર મહાનગરમાં રહેવા આવી ગયા જોકે આ સિવાય બીજો કોઈ છૂટકો પણ નહોતો. જમાઈએ ક્યારેય દીકરાની ખોટ સાલવા દીધી નોહોતી.

  જમાઈની બદલી અહીં થતા તે "એઆર હોમ્સ" ના પંદરમાં માળે રહેવા આવ્યા હતાં. રઘુવીર રહ્યા ખર્યું પાન તે હાયરાઈઝ બિલ્ડિંગમાં નીચે કોમનપ્લોટના એક ખૂણે સમવયસ્ક સાથે દિવસો પસાર કરી રહયા હતાં.

શરૂઆતમાં તે એકલતા અનુભતા પણ હવે તેમની દોસ્તી વીક્કી સાથે થતા આંનદ માં રહેવા લાગ્યા. તે અહીંં આવ્યાને છ મહિના માંડ થયા હશે પણ રોજ સાંજે વીક્કી સાથે ખૂબ વાતો કરતા વીકકી તેનાં નાના કરતા રઘુવીર સાથે વધારે હળીમળી ગયો હતો.

  રઘુવીર આજે ગાર્ડનમાં વહેલા આવી ગયા છે તે વીકકીની આવવાની રાહ જોતા દૂર નજર કરી રહ્યો છેઃ

કેટલો સમય પસાર થયો...  તે આંગળીના વેઢે જાણે ગણવાનો પ્રયાસ કરતો હોય તેમ તર્જની ઉપર અંગુઠો ફેરવતો રહયો. આ દરમિયાનમાં તેમના માનસપટ ઉપર કંઈ કેટલાંયે પ્રસંગો તરવરી ઊઠ્યા.

વતનમાં પસાર થયેલા દિવસો...

રંજન સાથેના શરૂઆતના દિવસો. દીકરા-દીકરી નો ઉછેર અને એક દિવસે દીકરા દિપેશનું એકા એક ઘર છોડી જવું. !

રઘુવીર ની આંખ ભીની થઈ. !

શરૂઆત ના દિવસો માં દીપેશની ખૂબ શોધખોળ થઈ પછી બધાએ આશા છોડીને પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત થયાં.

અને દીપેશ બધા માટે એક રહસ્યમય બનીને રહી ગયો !

તે પછીના વારસો જાણે ઢાળ પરથી પડતા પાણીની જેમ પસાર થઈ ગયા.

દીકરીને સાસરે વળાવી. હુતો-હુતી ગાડું હાંકે રાખતા હતાં. ત્યાં એક દિવસ રંજને પણ હાથ  તાળી દઈ રમત અધૂરી મુક્તી હોઈ તેમ 'હવે અમે નહી રમીએ ... ! કરતા રઘુવીરને એકલો મૂકી ચાલી ગઈ. રઘુવીરનું બીજું તો કોઈ નજીકનું કહી શકાય તેવું રહ્યું નહોતું.

 એકલવાયું જીવન જીવતા રહ્યા.

આ એકલતામાં તેને દીકરા દીપેશની ખૂબ યાદ આવતી. ક્યાં તેનાં ઉછેરમાં કમી આવી તે આમ અચાનક... !

ક્યાં ગયો હશે !? બસ આ એકનો એક સવાલ રઘુવીર ને અત્યાર સુધી ભેજવાળા લાકડે વળગેલી ઉધઈની જેમ કોરી રહ્યો છે...

 હાલ દીકરીને ત્યાં આવ્યા તે પછી વીક્કી સાથે દોસ્તી બંધાતા રઘુવીર વીક્કીને રોજ નવી નવી વાર્તાઓ સંભળાવીને જાણે તે દીપેશ સાથે પસાર કરેલા કાળમાં પાછા ફરવા માગતા હતાં !

અત્યારે પણ રઘુવીર સામે દીપેશ જ્યારે વીકકીની ઉંમરનો હતો તે સમયનો એક પ્રસંગ ઉપસી આવ્યો...

નાના દીપેશને રોજ એક વારતા સંભળાવવી પડતી. એક વાર દીપેશ તેના મિત્રો સાથે વારતા સાંભળવામાં તલ્લીન હતો તે સમયે રઘુવીર વારતા પુરી કરતા છેલ્લે બોલ્યો, "જે જમાનામાં મૂલ્યવાન ખજાનો કોઠીમાં (એટલે કે કુંમ્ભમાં ) મુકીને, કોઠીને ઘરમાં જ કે ક્યાંક ખ્યાલ ન આવે એવે ઠેકાણે દાટી દેવામાં આવતી તે જમાનામાં, એવે ઠેકાણે પણ, માલિકને ખબરેય ન પડે તેમ કીંમતી ધનને હરી લેવાની જેને આવડત હતી તે કહેવાતો. " કુંમ્ભિલ " !

"કુંમ્ભિલ " એ અત્યારનું " લોકર" એમાંથી કાઢી જનાર જાણભેદુ જ હોય, ઘરકૂકડી હોય અરે, 'સાળો' હોય ! "કુંમ્ભિલ" નો બીજો અર્થ " સાળો"....

'સાળો એટલે... !? દિપેશ હસતા હસતા બોલ્યો.

'અરે ભોળીયા મહાદેવ, તારી બહેનના જેમની સાથે લગ્ન થશે તેનો તું સાળો થયો... ! અને બધાં ખડખડાટ હસી પડ્યા.

  અત્યારે પણ રઘુવીરના ચહેરે એજ હાસ્ય આવી ગયું. તે ભોંઠા પડી ગયો હોય તેમ આજુબાજુ કોઈ જોતું તો નથી ને ? તે રીતે જોઈ લીધું હજી કોઈ આવ્યું નહોતું.

દિપેશ ક્યાં હશે? શું તે આ... દુનિયામાં... ! રઘુવીર આગળ વિચારી ન શકયો તેના ગળે સોસ પડયો. આંખે ઝળઝળિયાં આવ્યા.

ત્યાં...

'ગ્રાન્ડપા... બોલતો વીક્કી તેની પાસે આવી ગયો. તેણે ચશ્માં ઊતારી ઝડપથી આંખો સાફ કરી વીકકીને વહાલ કરવા લાગ્યો.

હજી છ મહીના જ થયા હતાંં કોઈ સંબંધ નહોતો છતા બંને વચ્ચે એક અજીબ 'નાતો' બંધાયો છે ! શરૂઆતમાં એક દિવસે જ્યારે બંનેનો મેળાપ થયો હતો ત્યારે વીકકીએ તેના નાનાને પૂછ્યું, 'નાના, મારે આમને શું કહીને બોલાવવા.'  ત્યારે તેના નાના એકાએક બોલી ગયા હતાં; ' આ તારા ગ્રાન્ડપા છે.'

  તે દિવસે રઘુવીરની આંખમાં આંસુ આવી ગયા હતાંં. જો તેના દીપેશને દીકરો હોત તો આવો જ હોત... તે દિવસે ફરીથી તે દીકરાને યાદ કરી ને વીકકીને ક્યાંય સુધી વ્હાલ કરતા રહ્યા..'ઋણાબંધ' !

  રોજ એકની એક પ્રવૃતથી હવે બાકીના દિવસો પસાર કરવાનાં હતાં. જોકે અહીંં તેમની ઉંમરના મિત્રો સાથે હવે એકલવાયું લાગતું નહોતું તેમાંય વીક્કી અને તેના નાના સાથે રઘુવીરને વધારે ફાવી ગયું હતું. અલકમકની વાતોમાં દિવસો પસાર થતા રહ્યા

પણ...

  આજ દરમિયાનમાં વીકકીના નાનાએ વાતવાતમાં જાણે એક રહસ્ય ઉપરથી પરદો ઉપાડ્યો હોય તેમ રઘુવીર જેમના માટે અત્યાર સુધી વિચારી વિચારીને દિવસો પસાર કરી રહ્યા હતાં તે વાતનો હવે અંત આવવનો હતો. રઘુવીરએ આ વાત કોઈને કરી નહોતી પહેલા તે ખાતરી કરી લેવા માગતા હતાં કે ખરેખર શું તે સાચું હશે? ! અને જો તે સાચી વાત હોય તો.... !

બે દિવસ પહેલા વીક્કીના નાનાએ કહેલી વાતે રઘુવીરની ઊંઘ ઊડી ગઈ હતી... તે આજના દિવસની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો.

આ દરમિયાનમાં તેમના માનસ પટ પર એક પછી એક દિવસ તરવરી રહયા... આખું ગામ અરે ખુદ દીપેશની બહેન પણ એમજ માનતી રહી હતી કે તેનો ભાઈ ક્યાંક ખોવાઈ ગયો છે ! તે બિચારી તેના ઘરની થોડા દિવસો પહેલા ચોરી થઈ હતી તે ભૂલીને ખોવાયેલા ભાઈને કારણે દુઃખી હતી !

દીપેશનું ચાલ્યા જવું કે ખોવાઈ જવું તે એક રઘુવીર સિવાય બીજું કોઈ અનુમાન કરી શકે તેમ નહોતું !

શુ કરે બિચારો બાપ હતો. હૈયાની વાત કોને કહેવાય અને તે પણ કયા આધારે ! કોણ વાત માને અને એટલે તેણે પણ એક મુઠ્ઠી વાળી લીધી.

  પણ આજે સમય સાથોસાથ બધું જ બદલાઈ ગયું છે. વીક્કીના નાનાએ કહેલી વાત જો સાચી હશે તો? !

મતલબ તે જીવે છે અને આજે... ! રઘુવીરની છાતીએ  સોય ભોકયાંનું દરદ ઊપડ્યું.

રવિવાર સાંજે બધા કોમનપ્લોટમાં પોતપોતાની પ્રવૃત્તિ માટે આવતા આજે તે પણ આવશે.. !

  અને રઘુવીર આજે એટલે જ પોતાની જાતને રોકી શક્યો નહોતો અને સાંજ ઢળતા પહેલાં જ બાંકડે આવીને બેસી ગયો છે. તેણે આ વાત તેની દીકરીને પણ જણાવી નહોતી !

વીકકીના નાનાએ જે વાત કરી એ વાત રઘુવીર માટે આંચકારૂપ હતી. તેનું મન કોઈ રીતે આ વાત સ્વીકારવા તૈયાર નહોતું. તે વાત સાંભળતા સાંભળતા માંડ માંડ પોતાની જાતને સંભાળી શક્યા તેમણે આ અંગે કોઈને પણ અણસાર આવવા દીધો નહોતો. તે પુરે પુરી ખાતરી કરી લેવા માંગતો હતો. અને કદાચ જો આ વાત સાચી હોય તો પણ.... ! !

વીક્કી તેના નાના સાથે આવ્યો છે. હજુ તેના પપ્પા આવ્યા નહોતા. રઘુવીરને વિકકીના પપ્પાને જોવાની તાલાવેલી જાગી તે વીક્કી તેમજ તેના નાના સાથે વાતો કરતા વારે વારે વીકકીને પૂછી લેતો કે તારા પપ્પા હજી આવ્યા નથી !?

  રઘુવીરને અહીં આવ્યાને છ એકમાસ થવા આવ્યા પણ આજના જેટલી અધીરાઈ ક્યારેય થઈ નહોતી. અત્યાર સુધીમાં ક્યારેક તો તે તેની સામેથી પસાર પણ થઈ ગયો હશે... !

  પણ આજે રહસ્ય ખુલે તેમ હતું... !

સાંજ ઢળી ગઈ, અવની પર અંધકાર છવાયો. મહાનગરની રોશની થઈ.

ત્યાં...

  દૂર ઊભેલા માણસ તરફ આંગળી કરતા વીક્કી બોલ્યો;'ગ્રાન્ડપા, પેલા ઊભા તે મારા પાપા છે. રઘુવીરએ ચશ્માંની પક્કડ મજબૂત કરતા નાઈટ્સ શૂટમાં ઊભેલા માણસ તરફ નજર કરી તેને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યો.

'હા... તે એજ છે.' !

દિપેશ. !

  રઘુવીર ને જાણે ચક્કર આવવા લાગ્યા.. !

તેણે જાત સંભાળી. આજ તો તેની પરીક્ષા હતી. સ્વસ્થ થઈ તેમણે વીકકીને કોઈ સાંભળે નહિ તે રીતે કાનમાં કંઈક કહ્યું !

 વીક્કી તેના પપ્પા જ્યાં ઊભા છે તે તરફ દોડી. દીપેશ ઉપર જાણે કરંટવાળો વાયર ફેકતો હોય તેમ બોલ્યો;' પપ્પા,  કુંમ્ભિલ એટલે શું? !

દીપેશ ગભરાઈને વીકકીને જોઈ રહ્યો. તેના શ્વાસ તેજ થયા તેણે આજુ બાજુ ડર થી જોઈ લીધું કોઈ સાંભળતું નહોતું એટલે તેને રાહત થઈ !

'કહો ને પપ્પા મારે પેલા ગ્રાન્ડપાને કહેવાનું છે...' વીક્કી સામેના બાંકડે બેઠેલા રઘુવીર તરફ આંગળી કરતા બોલ્યો.

દીપેશ સામેના બાંકડે તેમના સસરા સાથે વાતો કરતા વૃધ્ધને કુતૂહલથી જોઈ રહ્યો. !

  રઘુવીરની સાથે તેની નજર મળતાં તે ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

આટલા વરસે આ કોણ હશે? !

 એકનો એક સવાલ તેના માનસપટ ઉપર ઉભરાતો રહ્યો.

શું તે....? !

                             * * *

  તે વિચારી રહ્યો છે.

 અત્યાર સુધીની સફરમાં તેને કોઈ વિઘ્ન નડયું નહોતું. અત્યાર સુધી તે સફળ બિઝનેસમેન બની સરળ રીતે જીવી રહ્યો હતો. તેણે તેની પત્ની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે પણ બિઝનેસમેન તરીકેની જ ઓળખ ઉભી કરી હતી. અને તે શહેરના ખ્યાતનામ બિઝનેસમેન તરીકે અહીંં શુકુનથી જીવી રહ્યો છે !

પણ આ અણધારી આફત ક્યાંથી આવી પડી? !. 

તે વિકકીએ આંગળી ચીંધેલા પેલા વૃદ્ધ માણસને જોઈ રહ્યો છે. આ પહેલા તેણે કયારે તેમને અહીં જોયા નહોતા. એટલે તે તેમને ઓળખવાનો પ્રયત્ન કરી રહ્યો છે ! પણ કંઈ સ્પષ્ટ થતું નહોતું.

 ગાર્ડનમાં બધા પોત-પોતાની પ્રવૃત્તિઓમાં મશગૂલ છે...

ત્યાં...તેના કાને પાછો પેલો વિક્કીનો કુંમ્ભિલ શબ્દ પડઘાયો !

આજે કેટલા વરસો પછી આ શબ્દ તેના કાને પડ્યો છે. અહીંં આવ્યા બાદ છેલ્લે એકવાર જ્યારે એકાંતમાં તેણે દીપેશની ડાયરી વાંચી હતી ત્યારે ફરીથી આ શબ્દ પાસે આવીને તે એકાએક અટકી ગયો હતો ! 

દીપેશે તેની ડાયરી માં કરેલું વર્ણન, તેના બાળમાનસ પર પડેલી અસર અને તે પછી તે ઘર છોડીને ચાલ્યા ગયોને ત્યારબાદ ચોરીનું ધનમાંથી કઈ રીતે આગળ વધતો ગયો તે તેમજ તેની સાથે થયેલો પરિચય અંગેનું વર્ણન કર્યું હતું. તેમજ અતિગુપ્ત તમામ પ્રકારની માહિતી દીપેશે તેની ડાયરીમાં લખી હતી.

એક દિવસે તેનો ભેટો પણ સાવ અચાનક જ થયો હતો… !

દીપેશની છેલ્લી ડીલમાં તે તેને મળ્યો હતો. તેણે ઇન્ડીયન હોવાનો ફાયદો લઈ થોડાજ સમયમાં તે દીપેશનો ખાસ વિશ્વાસુ માણસ તરીકે ઓળખાવા લાગ્યો. અને તે પછી દીપેશની રજરજ જાણતો ગયો. અને એક દિવસે દીપેશની પેલી અંગત ડાયરી તેને હાથ લાગી ગઈ... !

અને એક દિવસે તેણે તેના બિઝનેસમાંથી દીપેશ રૂપી કાંટો કાઢી નાખ્યો. 

તેના શરીરે પરસેવો છૂટી ગયો !

 તેની સામે બેઠેલ આ વૃદ્ધ કોણ હશે? શુ તે કોઈ નિવૃત પોલીસ ઓફીસર હશે જે પગેરું શોધતો અહીંં આવ્યો હશે કે પછી?? !

તેના મનમાં એક પછી એક અનેક  પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. !

દીપેશની તમામ પ્રકારની માહિતી મેળવી તેને રસ્તામાંથી દૂર કરી તેની મિલકતો મેળવવા માટે તેનો ચહેરો ધારણ કરવા પલાસ્ટટિક સર્જરી કરાવી તે દીપેશ બની દીપેશના લોકર નંબર:૮૮૮ માંથી બધી સંપત્તિ લઈ તે ફરી પાછો અહીંં ઇન્ડિયા આવીને સેટ થયો !

પળવાર માટે તેની સામે એક પછી એક દિવસો ચિત્રપટ ની જેમ આવી ગયા !

તેણે દીપેશનો ચહેરો તો લઈ લીધો પરંતુ તેણે દીપેશની ડાયરીમાંથી જે વાંચ્યું હતું અને તેમાં જે માહિતી હતી તે સિવાય તે બીજું કશું આ મહાનગર વિશે જાણતો નહોતો. કે દીપેશના વતન વિશે પણ તેની પાસે કોઈ માહિતી નહોતી. ઘણી વાર તેણે દીપેશના વતનમાં જઈ દીપેશની માહિતી મેળવવનો વિચાર કર્યો હતો. પણ તેને એક ડર લાગતો હતો કે આમ કરતા ક્યાંક પોલીસના હાથ આવી જઈશ તો? અત્યાર સુધીની બધી મહેનત ઊપર પાણી ફરી વળશે. અને હવે તે ગુન્હાખોરોની દુનિયાથી જોજનો દૂર આવી ગયો હતો. અને એક સજ્જન બિઝનેસમેનની જેમ જીવી રહ્યો હતો. તેની પત્ની પણ તેના ભૂતકાળ વિશે કશું જાણતી નહોતી. અને આમ દિવસો પસાર થઈ રહ્યા હતાં ત્યાં… !

સામે પેલા વૃદ્ધ સાથે કામિનીના પપ્પા વાત કરી રહ્યા છે. આમ છતાં તેનું ધ્યાન વિક્કી અને તેની તરફજ હોવાથી તેની ગભરામણમાં વધારો થયો !

'કોણ હશે આ? અને કામિનીના પપ્પા સાથે તે શું વાતો કરી રહ્યા હશે?'

'બોલોને પપ્પા, કુંમ્ભિલ એટલે શું?' વિકકીએ ફરીથી એજ પ્રશ્ન કર્યો... !

 આ પ્રશ્નનો જવાબ તે આપી શકે તેમ નહોતો.

 ત્યાં તેના ફોનની રિંગ વાગી...

 'માયસન, હું બે મિનિટમાં આવું છું' કહી ફોનમાં વાતો કરતાં કરતાં તે ગાર્ડનની બહાર નીકળી ગયો !

 વિક્કી તેના નાના પાસે દોડી ગયો.

 રઘુવીર ઝીણી આંખ કરી તેને ગાર્ડનની બહાર નીકળતા જોઈ રહ્યો !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy