Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Medha Antani

Abstract Others

3.1  

Medha Antani

Abstract Others

અંતિમ પ્રયાણ

અંતિમ પ્રયાણ

6 mins
14.9K


...અંતે વિનાયકભાઈએ આખરી શ્વાસ છોડ્યા. બાજુમાં સુધાબેન એમનો હાથ પકડી, આંખ મીંચીને, સતત મૃત્યુંજય જાપ કરી રહયાં હતાં અને પુનિત અને પરિતા સજળ નેત્રે પંદરમો અધ્યાય ગણગણી રહયાં હતાં.

જેવું એમનું સાત્વિક, સત્યનિષ્ઠ, શાંતજીવન, એવું જ એમનું શાંતમૃત્યુ અને એવો જ એમનો સ્થિતપ્રજ્ઞ પરિવાર, જેણે પુરી સ્વસ્થતા સાથે આઘાત જીરવવાનું મનોબળ ટકાવી રાખ્યું હતું. એની પાછળ પણ વિનાયકભાઈ અને સુધાબેનના વિચારો કારણભૂત હતા. બંને શહેરની પ્રતિષ્ઠિત કોલેજનાં, વિજ્ઞાનશાખાનાં ભૂતપૂર્વ પ્રાધ્યાપક હોવાને લીધે સતત સત્યની ખોજમાં રત, સ્પષ્ટવક્તા, સમાજમાં અને પરિવારમાં વ્યવહારોના નામે ચાલતા દંભની સામે વિરોધ કરી ક્રાંતિકારી ચીલાઓ ચિતરવામાં હંમેશા મોખરે. એમને મળનાર કોઈપણ વ્યક્તિને એવું લાગે કે જીવનની બધીજ વાસ્તવિક્તાઓને તથા ચડાવઉતારોને તટસ્થભાવે સમજનાર અને પચાવનાર આ દંપતિ જાણે કે ગીતસારને જ જીવતું હોય.

કદાચ એટલે જ વિનાયકભાઈને ગમતી રીતે, એમના વ્યક્તિત્વને છાજે એવી રીતે પુરા પરિવારે મોક્ષમાર્ગે પ્રયાણની એમની ક્ષણો આંસુ સાર્યા વિના સાચવી અને નિભાવી. ખબર મળતાં જ સગાંસંબંધીઓ, પાડોશીઓ, મિત્રો, કોલેજસ્ટાફ વગેરે જમા થવા લાગ્યા. અંતિમપ્રયાણની તૈયારીઓ થવા લાગી. પુનિત અને પરિતાના ફોન રણકવા મંડ્યા. ફોન હરેશભાઈ, વિનાયકભાઈના દૂરના માસિયાઈ ભાઈનો હતો: "અરેરે...સમાચાર મળ્યા. ઈશ્વર કરે તે ખરું. આમ તો કાંઈ ન હતું, નહીં ? કેવી રીતે થયું ? હિમ્મત રાખજો. હું તો બેંગ્લોરથી ત્યાં પહોંચી નહીં શકું પણ કામકાજ કહેજે. મુંઝાતો નહીં..."

 ‎.."હા કાકા..ના..બસ, અચાનક જ શ્વાસ ભારે થઈ ગયો.. ના.. ના.. પપ્પાની ઈચ્છા મુજબ લૌકિક પ્રથા નથી રાખી એટલે હેરાન ના થશો..."

 ‎.."સુધાભાભીને સાચવજે. હવે તું જ ઘરનો મોટો..પરિતા તો નાની છે હજુ.. પણ તું સંભાળી લેજે....બા કી બોલ બીજું..કેમ છે..શું છે નવીનમાં..મજામાં ને?"

કોલ ઑફ કરતાં પુનિત મોબાઈલ સામે તાકી રહ્યો."શું છે નવીનમાં... મજામાં ને ! મજામાં ને..!"..શું છે નવીનમાં ?.."મજામાં ને ?"

કાનને પડઘા કઠયા. બાપને ગુમાવ્યે હજુ થોડા કલાકો થયા છે. એમનો પાર્થિવ દેહ હજુ સામે જ પડ્યો છે. આવે ટાણે મજામાં કોણ હોઈ શકે ?આ નવીન ગણાતું હશે ! આવો પ્રશ્ન? ધક્કો લાગ્યો મનને. મા તરફ નજર દોડાવી. ગજબ સ્વસ્થ છે મમ્મી. સતત જાપ કરી રહી છે. પપ્પાની ઉર્ધ્વગતિ માટે, પોતાની વેદના છુપાવીને. પણ ત્યાં જ મિસિસ થાનાવાલા આવ્યાં. ઇસ્ત્રીબન્ધ સાડી, બે હાથ જોડેલા.."સુધા..આ શું થઈ ગયું ?મને તો કોલેજમાંથી પ્રોફેસર શશાંકે કહ્યું. હવે આ બંને સામે જોજે. એની હિમ્મત તો તું જ છે હવે. કાંઈ પણ જોઈતું હોય તો કહેજે. ટીફીનની ચિંતા ન કરતી.કેન્ટીન સ્ટાફને કહી દીધું છે. હમણાં ઘરમાં થોડા દિવસ લોકોની અવરજવર તો રહેશે. શાકપાંદડું ય ઠીક જોઇશે..." 

સુધાબેન થાનાવાલાના નોનસ્ટોપ ચાલતા લેકચરને નતમસ્તકે સાંભળતાં રહ્યાં... "જો.. હું તને કહું. ઘેરબેઠાં મળી જશે.. એક એપ છે. બકાલા એપ .સારી છે. હું તો અત્યારે ,ઓનલાઈન ઓર્ડર કરું, તો ત્રણ કલાકમાં તાજું શાક હાજર..." ત્યાં તો બાજુમાં બેઠેલાં તારાફોઇ આંખ લૂછતાં ધીરેથી ફૂસફૂસાતાં બોલ્યાં..:"હા હો..બહુ સારી સર્વિસ છે. એમાંય એની ડિસ્કાઉન્ટ સ્કીમ તો બહુ પરવડે. પરવળ અને ભીંડા એકદમ તાજા. ઓર્ગેનિક" થાનાવાલા આન્ટી ફોઈ તરફ વળીને ઘૂસપુસ સ્વરમાં બોલ્યા.."એ માં તમે કોન્ટેક્ટ એડ કરીને ફાયદા ય લઈ શકો હોં..તમારો નંબર આપો તો હું તમને એડ..."

બાજુમાં જ બેઠેલા પુનિત અને પરિતા સ્તબ્ધ થઈ એકબીજા સામે જોઈ રહ્યાં. આ સ્થળકાળ ખરેખર બકાલા એપ સંવાદ માટેનાં હતાં ? મૃત્યુનો ય મલાજો નહીં ? સામાન્ય સંજોગોમાં તો મમ્મીએ આવા માહૌલનો જોરદાર બહિષ્કાર કર્યો હોત, પણ અત્યારે, આ સંજોગોમાં એક સામાન્ય સ્ત્રી બની ચૂપચાપ સાંખી રહી હતી એ બન્ને ભાઈબહેન કળી શકતાં હતાં.

હજુ કળ વળે ત્યાં તો ગુણુકાકા પુનિત પાસે આવી હળવેથી બોલ્યા."એ.. પુ..નિ..ત ! વિનાયકના કોઈ ઝભ્ભોલેંઘો હોય તો દેજે ને. ઉતાવળમાં ટુવાલ લીધો, પણ સ્મશાનેથી પાછા આવીને નહાયા પછી બદલવાના કપડાં સાથે લાવવાનાં રહી ગયાં. આમેય હવે વિનુના કપડાંની શી જરૂર પડવાની હેં ! પેલો... વિનુએ ગયા મહિને ખત્રીમાંથી લીધેલોને, એ દેજે હોં !" ગુણુકાકા, વિનાયકભાઈના સગા મોટાભાઈ. પુનિતે ઝાટકા સાથે ગુણુકાકા તરફ જોયું. વડીલ છે એટલે લિહાજ રાખવા ઉપરાંત અત્યારે સમસમીને બેસી રહેવા સિવાય કોઈ વિકલ્પ ક્યાં હતો?

મોટીફોઈ, કનકબા અને બીજા બે ચાર વડિલો સુધાબેનને ફરમાવી રહ્યાં હતાં.."તને રહેતે રહેતે એકલું બહુ લાગશે. અમે મહિનો રોકાઈ જશું. આમેય કામ શું છે અમારે. મંદિરે બેસીએ કે તારે ઘેર. શું ફરક પડે છે ?ઊપવાસ એકટાણા તો અમે કરતા નથી કે તારે અલગ ખાવાપીવાનું બનાવવાની માથાકૂટ રહે. તનેય વણપરો રહેશે અને ભજનસત્સંગ થશે. હવે તો તારેય આમાં જ મન પરોવવાનું ને કાયમ ખાતે! સુધાબેને શૂન્યભાવે ડોશીઓને તાક્યા કર્યું. અને આખી વાતનો થાક લાગ્યો હોય એમ આંખો ઢાળી નિસાસો નાખ્યો.

પણે, ખૂણે અઢેલીને બેઠેલા, તે ઊભા થઈ મનોજભાઈ મોબાઈલમાં મોટેથી વાત કરતાં આગળ ખસતા આવ્યા, "હા, હા ,સંભળાય છે.ત્યાં તો મોડી રાત હશે ને ?...લે, વાત કર પુનિત સાથે..."પછી પુનિતને ફોન ભળાવતા બોલ્યા,:" લે..વાત કર.દીપેન સ્કાઇપ ઊપર છે.ખાસ જાગે છે. ફરજ કરવામાં મારા દીપેનની કોઈ દી પાછી પાની ન હોય હો. બહુ વહેવારુ. જરા વાત કરી લે. અને અંતિમદર્શન પણ કરાવી દેજે હોં. જરાક મોબાઈલ સ્ક્રિન વિનાયકમાસા તરફ ફેરવી દેજે. અમારા દીપેનને કુટુંબ માટે લાગણી બહુ." અને એક ગર્વભરી નજર આસપાસ બેઠેલ લોકો તરફ નાખી. પુનિતને એકાએક ગૂંગળામણ થવા લાગી. પરાણે પકડાવેલો મોબાઈલ હાથમાં લઈ બીજી રૂમમાં જતો રહ્યો.

દીપેનને પતાવી એ પાછો આવ્યો ત્યાં સુધીમાં અંતિમયાત્રા માટે મંત્રોચ્ચાર અને વિધિ થઈ રહ્યાં હતાં. વિનાયકભાઈના પાર્થિવ શરીરનો ફૂલોથી શણગાર થઈ રહ્યો હતો, પરિતા બાપની વિદાય અને એ વખતે ચાલી રહેલી આસપાસની વિષમતાઓ પચાવવાના નિષ્ફળ પ્રયાસો કરી રહી હતી ત્યાં ધીરેથી ધીરેન બાજુમાં સરકયો "વિનુમામા ગયા માનવામાં જ નથી આવતું ! હું બધુંય સાંભળી લઈશ હોં. હું ય તારો ભાઈ જ છું ને. હું..શું કે'તો તો, ઉતાવળ નથી પણ, પુનિતને કાને પછીથી વાત નાખી દેજે. આ ફૂલો અને બાકીનું બધું મળીને 3000 થયા છે. ના..ઉતાવળ નથી.મામા કેવા શણગાર્યા છે નહીં ?જાણે હમણાં ઊભા થઇને બોલશે. ચહેરા પર તેજ તો જો. જમવાની વ્યવસ્થા શું કરી છે મસાણેથી આવ્યા પછી ? હું શું કે'તો તો..ભોલે ડાયનીંગમાં કહી દઉં ?આપડી ઓળખાણ છે ત્યાં. એના મગ ભાત ઓસામણ બહુ જ ટેસ્ટી..."

બાકીનું કહેણ પરિતાના હળવા ડૂસકાંઓમાં વહી ગયું. "પપ્પા..તમે અમને કેવા લોકો વચ્ચે છોડીને જતા રહ્યા. તમે આ સમાજના વિચારો બદલવા માગતા હતા જેમને મન મૃત્યુ કરતાં મગ ભાત ઓસામણની પરવા વધુ છે ?"મનમાં ઊઠતા આક્રોશને તે આંસુ દ્વારા ઠાલવતી રહી.

પુનિતે,બેનને માથે સાંત્વન આપતો હાથ ફેરવ્યો.

એ જ વખતે સુનંદાકાકી એકાએક પોક મૂકતાં ધસી આવ્યાં અને ધ્યાનમુદ્રામાં બેઠેલા સુધાબેનને એવાં તો બાથમાં લીધાં કે પોતાની જેઠાણીના આ આવેગભર્યા હૂમલાથી સુધાબેન હચમચી ગયાં. "સુ...ધા..આઆઆ....મારા લાડકા દીયરે દગો દી...ધો..! વિનુભાઈ, આમ ચાલ્યા જવાય ? રડી લે સુધા..રડી જ લે. આમ સૂનમૂન બેસી રહીશ તો પથ્થર થઈ જાઈશ. પછી આ બેયને કોણ જોશે ?"   ‎ તારસપ્તકની રોકકળ પછી સ્વસ્થ થતાં, સુનંદાકાકીનો અવાજ જરાક સ્પષ્ટ થયો હોય એમ પુનિત પરિતાના કાને ચોખ્ખું સંભળાવા લાગ્યું, "વિધિના લેખ તો જુઓ. આ અમે બેયએ હમણાં જ પચાસમી લગ્નતિથિ ઊજવી. તમારા જેઠે તો પંચોતેર પણ પાર કર્યાં. ને આ નાનો વહેલો ચાલ્યો ગયો.અવાજના રણકાર અને ઢબમાં છૂપાયેલો રાજીપાવાળો મર્મ છતો થઈ જ જાતો હતો. "પીંકુ મને કહેતો હતો કે દાદી..કેવું નહીં ?તમે એલ્ડર છો તોય હજી એઝ કપલ જ છો પણ સુધાદાદી તો તમારાથી નાના છે તોય વીડૉ થઈ ગયા..એવું કેવું ? "

પુનિત મુઠ્ઠી ભીંસી બહાર ફળિયામાં ઊભેલા લોકો તરફ ચાલ્યો ગયો. પરિતા વિનાયકભાઈના નિશ્ચેત ચહેરા સામે ત્રાટક નજરે જોઈ રહેતાં મનોમન પિતાના આત્મા સાથે સંવાદ સાધી રહી..."જુઓ આ પપ્પા..! સાંભળો છો ને ? સારું જ થયું તમે આ જોવા અહીં હાજર નથી. તમે જતા રહ્યા, એ જ ઠીક થયું નહીંતર પારકાના અને પોતાના લોકોના મહોરાવાળા ચહેરાઓ સહન ન કરી શકત. અહીં આવી માનસિકતાને તમે કેવી રીતે ઝીલી શકવાના હતા ? પપ્પા..તમે તો છૂટી ગયા. હવે અમે, મમ્મી, આ બધાં વચ્ચે કેમ રહી શકશું ?" અને વિનાયકભાઇના ચહેરા પરથી નજર ઊઠાવી લાચારીથી સુધાબેનની દિશામાં જોયું.

બરાબર એ જ સમયે સુનંદાબેન બેઠાં બેઠાં જ એકાએક ગબડતા રહી ગયા અને પળવારમાં જાતને સંભાળી આજુબાજુ આગળપાછળ જોવા લાગ્યાં, જાણે આ અદ્રશ્ય ધક્કાના મારનારને શોધી રહ્યાં હોય.

અને એ જોઈ ગયેલી પરિતા ત્યાંથી નજર હટાવી પિતાના શણગારેલા દેહ તરફ સૂચક રીતે જોઈ રહી...

 ‎  

 ‎


Rate this content
Log in

Similar gujarati story from Abstract