પરવરદિગાર રાખું છું
પરવરદિગાર રાખું છું
એનો દારોમદાર રાખું છું,
એક પરવરદિગાર રાખું છું.
આવશે એ ય પ્રતિબિંબની જેમ,
દર્પણોનાં હું દ્વાર રાખું છું.
દેહ પર એના પાનખર છે જો,
હું ય જાતી બહાર રાખું છું.
એક તારો વિચાર પ્રજ્વલિત,
સાંજ હો કે સવાર રાખું છું.
ગટગટાવું છું ઝાંઝવાઓ ‘હનીફ’,
હું તરસ પારાવર રાખું છું.
આ ઉપેક્ષાને બદલે પ્રેમ ‘હનીફ’,
હા, કરું છું સ્વીકાર, રાખું છું.
ઢળતી સાંજે ‘હનીફ’ એનું સ્મરણ,
લોહીમાં એકાકાર રાખું છું.